You are currently browsing the daily archive for August 21st, 2007.
આવો,આવો
ઘણે દિવસે દેખાણા તમે,
તમારા ભાઇ શાક લેવા ગયા છે, આવતા જ હશે,
અગરબત્તીની ખુશ્બુ ગમી તમને?
મારા સાસુ સસરાને ફ્રેમમાં મઢાવી(પૂરી) દીધા અમે.
આ ફ્રેમ…એકેક હજારની થઇ,
માબાપ થી વધું શું?
રોજ રોજ ફૂલની માળા ને અગરબત્તી કરવાનો મારો નિયમ,
બોલો, આથી વધું કેટલું કરીએ આપણે એમનું?
હવે તો અગરબત્તી ને ફૂલ પણ મોંઘા થતા જાયછે
થાય શું?
તમારા ભાઇને તો રાજી રાખવા ને!
**************************
જીવતે જીવ એમણે અમારે આંગણે આવવાની ઇંતેજારી બતાવી
ત્યારે,
ઠંડી બહુ છે, ગરમી પણ અસહ્ય, વરસાદ તો બેસુમાર
ને અમારે ત્યાં તો પૂર પણ આવે.
(ઋતુ પ્રમાણે જ તો)
કામવાળી નદારદ, બેબીને બોર્ડની એકઝામ,
મારી, એમની કે બાળકોમાંથી એકાદની નાદુરસ્ત તબિયત,
બહાનાનાં અક્ષયપાત્રમાંથી એકાદ આગળ ધરી દીધું
ને ટાઢે પાણી એ ખસ ગઇ.
****************************
આ બધી વાત તમારા ભાઇને ભૂલમાં યે ના કરતાં,
અમથા અમથા આંખની પાંપણો ભીની કરે.
”પીંપળ પાન ખરંત, હસતી કૂંપળિયા,
અમ વીતી તમ વીતશે ધીરો બાપુડિયા “
એવું એવું લવ્યા કરે.
શ્રવણ માબાપને કાવડમાં જાત્રાએ લઇ જાય
એ ‘સીન’ તો સિનેમાના પરદા પર શોભે.
મુંબઇની મશીન જેવી જિંદગીમાં ,
અગરબત્તી ને માળાની રસમ ચૂક્યા વગર અદા કરીએ
તેય શું ઓછું છે?

Recent Comments