ગોકુળમાં કોણ હતી રાધા?
ઇસુદાન ગઢવી
27/08/2007//શ્રાવણ સુદ ચૌદશ 2063//સોમવાર
દ્વારકામાં કોઇ તને પૂછશે કે, કાન ! ગોકુળમાં કોણહતી રાધા? તો શું જવાબ દૈશ, માધા?….
તારું તે નામ તને યાદે નો’તું તે દિ’ રાધાનું નામ હતું હોઠે, ઠકરાણાં પટરાણાં કેટલાંય હતાં, તોયે રાધા રમતી’તી સાત કોઠે. રાધાવિણ વાંસળીનાં વેણ નહીં વાગે આવા તે સોગન શીદ ખાધા? તો શું જવાબ દૈશ, માધા?…
રાધાનાં પગલાંમાં વાયું વનરાવન, તું કાજળ બનીને શીદ ઝૂલ્યો? રાધાના એક એક શ્વાસ તણે ટોડલે
તું આષાઢી મોર બની ફૂલ્યો, ઇ રાધા ને વાંસળી.આઘાં પડી ગયાં, આવા તે શું પડયાં વાંધા? તો શું જવાબ દૈશ,માધા?…
ઘડીકમાં ગોકુળ, ઘડીકમાં વનરાવન, ઘડીકમાં મથુરાના મ્હેલ, ઘડીકમાં રાધા ને ઘડીકમાં ગોપીયું, ઘડીકમાં કુબજાના ખેલ,કાન ! હેતપ્રીતમાં ન હોય રાજખટપટના ખેલ,કાન ! સ્નેહમાં તે હોય આવા સાંધા? તો શું જવાબ દૈશ, માધા?…
ગોકુળ, વનરાવન, મથુરા ને દ્વારકા, ઇ તો મારા અંગ ઉપર પેરવાના વાઘા, રાજીપો હોય તો અંગ ઉપર રાખીએ, નહીંતર રાખું એને આઘા.. સઘળો સંસાર મારો સોળે શણગાર, મારા અંતરનો આતમ છે રાધા…. કોઇ મને પૂછશો, કોણ હતી રાધા…. કોઇ મને પૂછશો મા,કોણ હતી રાધા…

1 comment
Comments feed for this article
September 8, 2007 at 11:38 am
shivshiva
સુંદર આલેખન