You are currently browsing the monthly archive for સપ્ટેમ્બર 2007.

ભાદરવા સુદ એકમ,2063 ને બુધવાર, 12સપ્ટેમ્બર 2007

પાંપણનો તકાજો***મકરંદ દવે
પાંપણનો તકાજો છે, પગલાંની થકાવટ છે, પર્વતના પ્રવાસીને, ઉંબરની રુકાવટ છે.
સુમસામ સદીઓથી છે ઘરની એ જ હાલત, તો કોણ અહીં આવ્યું? આ કોની તે આહટ છે?
એ આવશે અચાનક, ને આવશે ઘડીપળ, પલકોંની મજા ખાતર, સદીઓની સજાવટ છે.
નફરતની નજર માટે મેં માગી આ દુવાઇ, નાપાક છે ન દુનિયા, ના કોઇ નપાવાટ છે.
મારો પુકાર એક જ, સોગાદ તારી સો સો,
હે રામ, કેવી હાજર, પ્રેમીની રખાવટ છે!
મારી તમારી વચ્ચે બસ એક છે તફાવત, નાદાન હું રહ્યો ને તમને બધી ફાવટ છે.
યારો, હવે જવા દો, દાટી દો દુશ્મનીને બે શ્વાસની છે બાજી, ને પળની પતાવટ છે.

Advertisements

અલ્લક દલ્લક***બાલમુકુંદ દવે
અલ્લક દલ્લક, ઝાંઝર ઝલ્લક, રઢિયાળો જમનાનો મલ્લક, એથી સુંદર રાધા ગોરી, મુખડું ઝળકે ઝલ્લક ઝલ્લક !
આભે પૂનમ ચાંદ ઊગ્યો છે,
રાસ ચગ્યો છે છમ્મક છમ્મક ! ગોપી ભેળો કાન ઘૂસ્યો છે, ઢોલક વાગે ઢમ્મક ઢમ્મક !
રાધિકાનો હાર તૂટે છે, મોતી ચળકે ચલ્લક ચલ્લક ! બધાં જડ્યાં પણ એક ખૂટે છે, રુએ રાધિકા છલ્લક છલ્લક !

લીધું હોય તો આલને કાના ! મોતી મારું ચલ્લક ચલ્લક ! તારાં ચરિતર છે ક્યાં છાનાં ? જાણે આખો મલ્લક મલ્લક !
કાને ત્યાંથી દોટ મૂકી છે, રીસ ચડી ગોપીજનવલ્લભ, કદંબછાયા ખૂબ ઝૂકી છે, બંસી છેડે અલ્લપ ઝલ્લપ !

રાધા દોડે ચિત્ત અધીરે, રાસ રહ્યો છે અલ્લક દલ્લક! સૂર વણાયે ધીરે ધીરે !
ઉર તણાયે પલ્લક પલ્લક !

અલ્લક દલ્લક ઝાંઝર ઝલ્લક: રઢિયાળો જમનાનો મલ્લક, એથી સુંદર રાધા ગોરી, મુખડું ઝળકે ઝલ્લક ઝલ્લક !

શ્રાવણ વદ અમાસ 2063 ને મંગળવાર,11 સપ્ટેમ્બર2007

ગીતામ્રુતમ—(બે)
અધ્યાય બીજો શ્લોક 62 થી 66 વિષયોનું રહે ધ્યાન તેમાં આસક્તિ ઉપજે, જન્મે આસક્તિથી કામ,કામથી ક્રોધ નીપજે…..62 વિષયોનું ચિંતવન કરનાર પુરુષના મનમાં તેમને વિષે આસક્તિ ઉત્પન્ન થાયછે.આસક્તિથી કામના થાય છે અને કામનામાંથી ક્રોધ ઉત્પન્ન થાયછે……62
ક્રોધથી મૂઢતા આવે,મૂઢતા સ્મ્રુત્તિને હરે; સ્મ્રુત્તિ લોપે બુદ્ધિનાશ, બુદ્ધિનાશે વિનાશ છે…….63 ક્રોધમાં થીમૂઢતા પેદા થાયછે,મૂઢતામાઁથી ભાન ભૂલાય છે. ને ભાન જવાથી જ્ઞાનનો નાશ થાયછે અને જેના જ્ઞાનનો નાશ થયો તે જાતે જ નાશ પામેછે (તેની સર્વે પ્રકારે અધોગતિ થાયછે.)…..63

રાગને દ્વેષ છૂટેલી ઇન્દ્રિયે વિષયો ગ્રહે વશેન્દ્રિય સ્થિરાત્માજે,તે પામેછે પ્રસન્નતા. 64
પણ જેનું મન પોતાના કાબૂમાં છે અને જે રાગદ્વેષરહિત એવી તથા પોતાને વશ વર્તનારી ઇન્દ્રિયોથી (ઘટતા) વિષયોનું ગ્રહણ કરેછે તે પુરુષ ચિત્તની પ્રસન્નતા મેળવે છે..64
પામ્યે પ્રસન્નતા તેનાં દુઃખો સૌ નાશ પામતાઁ; પામ્યો પ્રસન્નતા તેની બુદ્ધિ શીઘ્ર બને સ્થિર…65
ચિત્તની પ્રસન્નતાથી એનાં બધાં દુઃખો ટળેછે અને પ્રસન્નતા પામેલાની બુદ્ધિ તરત જ સ્થિર થાયછે. 65

શ્રાવણ વદ તેરસ 2063 ને સોમવાર તા.10/09/2007

હરિ કીર્તનની હેલી***વેણીભાઇ પુરોહિત
હરિ કીર્તનની હેલી રે મનવા ! હરિ કીર્તનની હેલી.
ધ્યાન ભજનની અરસ પરસમાં લાગી હો તાલાવેલી, ધામધૂમ નર્તન અર્ચનની સતત ધૂમ મચેલી રે મનવા….હરિ….
મારા જીવનના ઉપવનમાં વિવિધ પુષ્પિત વેલી મારે મનતો હરિ છે ચંપો ને હરિનું નામ ચમેલી રે મનવા….હરિ…
નયણામાંથી અગણિત ધારા નભમાં જઇ વરસેલી કેવી અકળ અલૌકિક લીલા, કોઇએ નથી ઉકેલી રે મનવા…હરિ….

શનિવાર, 8 સપ્ટેમ્બર2007ને શ્રાવણ વદ બારસ,2063

કિનારે જવું નથી***નિનુ મજુમદાર***1963
જ્યાં જાય છે આ કાફલો મારે જવું નથી, પાછી લઇ લે નાવ કિનારે જવું નથી.
આરામથી થવાદે સફર જિંદગી મહીં, આવેછે મોત તેડવા એને જવું નથી.
જીવન બચાવતા હવે થાક્યો છું નાખુદા ! મઝધાર ચાલ! કિનારે કિનારે જવું નથી.

સામે તું થા, હું જાણું છું જગના તુફાનને, વહેતી જતી હવાને સહારે જવું નથી.
મહેફિલ તો પૂરી થઇગઇ, પરવાના રહી ગયા, સૂતા શમાની પાસ, સવારે જવું નથી.
મંઝિલ મળે પછી ય મારે કરવું કંઇ નથી, તો હાલ તુજ ગલીથી વધારે જવું નથી.
રાખી છે વાસના, હે ‘નિરંજન’ શું નામની? મારે જવું છે ત્યારે તમારે જવું નથી.

કાનજી ને કહેજો કે***જયંત પાઠક***સમર્પણ 05/01/1963
કાનજીને કહેજો કે આવશું, બળ્યા ઝળ્યા અમે બોલીએ તેમાં
વાંકું શું પાડવું તમારે! કુંજોમાં ઘૂમનારા ક્યાંથી જાણો તમે માથે શું વીતે અમારે? પળની ન મળે નવરાશું…. કાનજી ને…. મનનો મારગ એક, તનનો દૂજેરો, લાજમહીં અટવાતી આંખો, સંસારી, કેડીઓમાં આંકેલી ચાલીએ શમણામાં વીંઝીએ પાંખો ! જીવતરની વેચીએ છાશું…કાનજી ને…
મ્હેણાંના માર અહીં, ઘરના વહેવાર ને
તમ્મારી રીસ વળી તાતી,
હરતાં ફરતાં હાથ રાખી સંભાળીએ ભારથી ન ભાંગી પડે છાતી, આખી રહેશે તો લેતા આવશું…કાનજીને..

દુષ્ટજન તો (નરસિંહ મહેતાના “વૈષ્ણવ જન તો તેને કહીએ “પરથી પેરોડી)

દુષ્ટજન તો તેને કહીએ જે પીડ પરાઇ માણે રે, પરદુઃખે અપકાર કરે ને સદાનો વળી અભિમાની રે. સકળ લોકમાં સૌને નિંદે ને સ્તુતિ ન કરે કોઇની રે, વાચ કાછ મન સદા મલિન જ રાખે,કરમ ફૂટી જેની જનની રે.
કૂદ્ર્ષ્ટિને ત્રૂષ્ણા ભોગી, પરસ્ત્રી જેને નવ માત રે. જિહ્વા થકી કદી સત્ય ના બોલે,પરધન હાથથી નવ છોડે રે.
મોહ માયામાં ડૂબેલો રહેવે,વૈરાગ્ય ના મળે જેના મનમાં રે. રામનામ કદીયે ના લેવે, સકળ તીરથથી સદા છેટો રે. પૂરો લોભી ને કપટ સહિત છે, કામક્રોધ સદાના સંગી રે, ભણે ભગત તેનું દરસન કરતાં કૂળ ઇકોતેર ડૂબ્યા રે

હરિ! આવોને**ન્હાનાલાલ
આ વસંત ખીલે શત પાંખડી, હરિ! આવોને; આ સ્રૂષ્ટિએ ધરિયા સોહાગ; હવે તો હરિ! આવોને. આવિશ્વ વદેછે વધામણી, હરિ! આવોને; આવી વાંચો અમારા સૌભાગ્ય; હવે તો હરિ! આવોને.
આ ચંદરવો કરે ચંદની, હરિ!આવોને.
વેર્યાં તારલિયાનાં ફૂલ; હવે તો હરિ! આવોને.
પ્રભુ પાથરણાં દઇશ પ્રેમનાં, હરિ!આવોને; દિલ વારી કરીશ સહુ ડૂલ; હવે તો હરિ! આવોને. આ જળમાં ઊઘડે પોયણાં, હરિ!આવોને;
એવા ઊઘડે હૈયાના ભાવ: હવે તો હરિ! આવોને. આ માથે મયંકનો મણિ તપે, હરિ!આવોને; એવા આવો, જીવનમણિ માવ! હવે તો હરિ! આવોને. આ ચંદની ભરી છે તળાવડી, હરિ!આવોને; ફૂલડિયે બાંધી પાજ; હવે તો હરિ! આવોને. આ આસોપાલવને છાંયડે, હરિ!આવોને; મનમહેરામણ મહારાજ! હવે તો હરિ! આવોને. મ્હારે સૂની આયુષ્યની શેરીઓ, હરિ! આવોને; મ્હારે સૂની સૌ જીવનની વાટ; હવે તો હરિ! આવોને. મ્હારા કાળજ કેરી કુંજમાં, હરિ!આવોને; મ્હારા આતમસરોવર ઘાટ, હવે તો હરિ! આવોને.

02/09/2007, સોમવાર –શ્રાવણ વદ છઠ 2063
આવતી કાલે જન્માષ્ટમીના પવિત્ર પર્વ નિમિત્તે ગીતામ્રૂતનું પાન સાથે કરીએ.
અધ્યાય બીજો, શ્લોક 54 થી 72 અર્જુન બોલ્યા– સમાધિમાં સ્થિતપ્રજ્ઞ જાણવો કેમ કેશવ? બોલે, રહે, ફરે, કેમ, મૂનિ જે સ્થિર બુદ્ધિનો—54 હે કેશવ! સ્થિતપ્રજ્ઞના એટલે કે સમાધિસ્થના શાં ચિહ્ન(લક્ષણો) હોય ?સ્થિતપ્રજ્ઞ કેવી રીતે બોલે, બેસે અને ચાલે?—54

શ્રી ભગવાને કહ્યું—
મનની કામના સર્વે છોડીને આત્મમાં જ જે, રહે સંતુષ્ટ આત્માથી, તે સ્થિતપ્રજ્ઞ જાણવો—55
હે પાર્થ! જ્યારે મનમાં ઊઠતી બધી કામનાઓનો મનુષ્ય ત્યાગ કરેછે અને આત્મામાં આત્મા વડે જ સંતુષ્ટ રહેછે ત્યારે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે.—55
દુઃખે ઉદ્વેગ ના ચિત્તે, સુખોની ઝંખના ગઇ, ગયા રાગ ભય ક્રોધ, મૂનિ તે સ્થિરબુદ્ધિનો.—56

દુઃખોથી જે દુઃખી ન થાય, સુખોની ઝંખના (ઇચ્છા) ન રાખે અને જે રાગ, ભય અને ક્રોધથી રહિત હોય તે મુનિ સ્થિરબુદ્ધિ કહેવાય છે.—56

આસક્ત નહીં જે ક્યાંય, મળ્યે કાંઇ શુભાશુભ. ન કરે હર્ષ કે દ્વેષ, તેની પ્રજ્ઞા થઇ સ્થિર.—57
જે બધે રાગ રહિત છે અને શુભ પામતાં તેને નથી આવકાર આપતો અથવા અશુભ પામીને નથી અકળાતો તેની બુદ્ધિ સ્થિર છે.—57
કાચબો જેમ અંગોને, તેમ જે વિષયો થકી, સંકેલે ઇંન્દ્રિયો પૂર્ણ, તેની પ્રજ્ઞા થઇ સ્થિર.—58
કાચબો સર્વ કોરથી અંગો સમેટી લે તેમ આ પુરુષ જ્યારે ઇન્દ્રિયોને તેમના વિષયોમાંથી સમેટી લે છે ત્યારે તેની બુદ્ધિ સ્થિર થઇ છે એમ કહેવાય.—58
નિરાહારી શરીરીના ટળે છે વિષયો છતાં, રસ રહી જતો તેમાં, એ ટળે પેખતા પરં.—59 દેહધારી જ્યારે નિરાહારી રહેછે ત્યારે તેના વિષયો મોળા પડેછે જરૂર;પણ (વિષય પરત્વેનો) એનો રસ નથી જતો; તે રસ તો પરવસ્તુના દર્શનથી, પરમાત્માનો સાક્ષાત્કાર થવાથી શમેછે.—59
પ્રયત્નમાં રહે તો યે શાણા યે નરના હરે, મનને ઇંદ્રિયો વેગથી વિષયો ભણી.—60 હે કૌંતેય ! ડાહ્યો પુરુષ યત્ન કરતો હોય છતાં ઇન્દ્રિયો એવી વલોવી નાખનારી છે કે તેનું મન બળાત્કારે હરી લે છે.—60

યોગથી તે વશે રાખી રહેવું મત્પરાયણ, ઇન્દ્રિયો સંયમે જેની, તેની પ્રજ્ઞા થઇ સ્થિર.—61 એ બધી ઇન્દ્રિયોને વશમાં રાખી યોગીએ મારામાં તન્મય થઇ રહેવું જોઇએ. કેમ કે પોતાની ઇન્દ્રિયો જેના વશમાં છે તેની જ બુદ્ધિ સ્થિર રહેછે.—61

મોરારીબાપુની એક કથામાં સાંભળેલું

મોજમાં રેવું મોજમાં રેવું, મોજમાં રેવું મોજમાં રેવું રે.
અગમ અગોચર અલખ ધણીની ખોજમાં રેવું

સંસાર ખોટો કે સપનું ખોટું સૂઝ પડે નઇ રે,
યુગ વિત્યા ને યુગની પણ જુઓ સદીયુંથઇ ગઇ રે
મરમી પણ ઇનો મરમ ન જાણે કૌતુક કેવું રે….મોજમાં….

ગોતવા જાવ તો મળે નહીં ગોત્યો ગહન ગોવિંદો રે.
ઇ રે હરી ભગતું ને હાથવગો છે પ્રેમ પરખંદો રે
આવા દેવ ને દીવો કે ધૂપ શું દેવો દિલ દઇ દેવું રે…મોજમાં …

લાયલાગે તોયે બળે નહીં એવા કાળજા કીધા રે
જીવન નથી જંજાળ જીવન જીવવા જેવું રે….મોજમાઁ…

રામક્રૂપા એને રોજ દિવાળી રંગના ટાણા રે
કામ કરે એની કોઠી એ કોઇ દિ’ ખૂટે ન દાણા રે
કીએ અલગારી કે આળસુ થઇ ભવ આયખું ખોવું રે…મોજમાઁ…