લોકમિલાપ ટ્રસ્ટ, ભાવનગર દ્વારા પશ્ચિમના  દેશોની પેપર-બેક ક્રાંતિમાંથી પ્રેરણા લઇને ખીસપોથીઓનું આયોજન કરવામાં આવ્યું છે. તેનો મુળ ઉદ્દેશ(1) સંક્ષિપ્ત વાચન અનેક લોકો સુધી સસ્તા દરે પહોંચી શકે ઉપરાંત

(2) પોથીનું કદ નાનું હોવાથી ખીસા કે પર્સમાં પણ સરળતાથી રહી શકે અને

 (3) વાચકોને સંક્ષિપ્ત વાચન બાદ મૂળ પુસ્તક સુધી પહોંચવાની ઇચ્છા  પણ થાય અને આમ વાચકો પુસ્તકો વાચવા સુધી દોરાય.

                  

ખીસાપોથીઓની યાદી                        નકલ છપાઇ

                                                  

 (1)            આઝાદી કી મશાલ                          50,000

(2)       એબ્રહામ લિંકન(સંક્ષેપ) મણિભાઇ દેસાઇ-   30,000

(3)            પરમસ્ખા મૃત્યુ(સંક્ષેપ)કાકા કાલેલકર      43,000

(4)            મારા ગાંધીબાપુ(સંક્ષેપ)ઉમાશંકર જોશી    2,00,000

(5)            મારી અભિનવ દીક્ષા(સંક્ષેપ)

            કાશીબેન મહેતા                 20,000

    મારી વાચનકથા(સંક્ષેપ)મનુભાઇ પંચોળી        27,000

(7) મુગ્ધાવસ્થાના ઉંબરે: પ્રેમળ જ્યોતિ            70,000

(8) મોતીની ઢગલી:1:                               20,000

(9)મોતીની ઢગલી:2:                                20,000

(10) વિચારમાળાનાં મોતી                           20,000

(11)હાસ્યમાળાનાં મોતી                              20,000

(12) દુલારું દામ્પત્ય

                                                                  10,000

(13) મારી જીવનકથા(સંક્ષેપ)-બબલભાઇ મહેતા     10,000

                                               કુલ:5,40,000 નકલો(ફેબ્રુઆરી 2008સુધીમાં)

કિમ્મત: છૂટક : રૂ.3/= પ્રતિ નંગ,

         100 નકલ:રૂ.2/= લેખે, 

       1000 નકલ:રૂ.1/= લેખે

       (+ રવાનગી-ખર્ચ)

મેળવવાનું ઠેકાણું:

લોકમિલાપ ટ્ર્સ્ટ, પો.બો.23(સરદારનગર) ભાવનગર 364001તથા

તાન્યાસ બુકવર્લ્ડ,અમદાવાદ

વાપી ખાતે ગોપાલ પારેખ  મો. 9898792836 નો સંપર્ક સાધવો

+++++++++++++++++++++++++++++++++++++++++++++++

 આઝાદી કી મશાલ અંગે  સંપાદકનું નિવેદન

 

રાજા રામમોહનરાય,સ્વામી વિવેકાનંદ, રવીંદ્રનાથ ઠાકુર અને ગાંધીજી જેવાં  કેટકેટલાં રત્નો ભારતમાતાની કૂખે એકસામટાં છેલ્લા દોઢેક સૈકામાં નીકળ્યાં ! એમણે અને એમના પુરોગામી ઋષિમુનિઓએ આપણી પ્રજાને લાડ લડાવેલાં છે, લોકોમાં ઊંચાં માનવમૂલ્યો માટે રુચિ ઊભી કરી છે.

એ યુગપુરુષોની વિદાય પછી આ મૂલ્યોનું જતન કરી તેને વિકસાવવાનું કામ બીજા અગણિત નાના કર્મવીરો કરતા રહે. નહીં,તો તે મૂલ્યો ધૂળમાં રગદોળાઇ જઇ શકે. એક બાજુ પ્રજાસત્તાકની સ્થાપના થઇ રહી હતી ત્યારે બીજી તરફ ભારતની માનવતાને લજવે તેવા ગોઝારા બનાવો પણ બની રહ્યા હતા. તે  પછીનાં સાઠેક  વરસોમાં દેશમાં દુષ્ટ બળોની એવી રમણા અવારનવાર ચાલતી રહી છે.

આવા કાળમાં પ્રજાને પોતાનાં જીવનમૂલ્યોનું સ્મરણ કરાવનારાં કેટલાંક હૃદયસ્પર્શી અને વિચારપ્રેરક લખાણો એકત્ર કરીને આ પુસ્તિકામાં રજૂ કરેલાં છે. આશરે એક કરોડ જેટલાં ગુજરાતી કુંટુબોમાંથી ફક્ત દસમા ભાગ સુધી પણ એ પહોંચાડવી હોય તો એની દસ લાખ નકલ તો છપાવવી જ જોઇએ. તે કામ કરવાની હોંશ જેમને થાય તેમને નમ્ર વિનંતી છે કે આઝાદી કી મશાલ ની સેંકડો નકલ મગાવીને પોતાની આસપાસના સમાજમાં તેનો ફેલાવો કરે; શેરીઓ ને સડકો પર, બજારોમાં ને બસ-સ્ટેન્ડપર જાતે જઇને હાથોહાથ લોકોને આપે.

1ડિસેમ્બર, 2007: કાકા કાલેલકર જયંતી                   મહેંદ્રમેઘાણી

++++++++++++++++++++++++++++++++++++++

 

  આઝાદી કી મશાલ //સંપાદક:મહેન્દ્ર મેઘાણી//લોકમિલાપ ટ્રસ્ટ,ભાવનગર માંથી                        

 

(1) આઝાદી કી મશાલ**જવાહરલાલ નેહરુ**પાનું 3 અને 4

હમને ઔર આપને ખ્વાબ દેખેં, હિંદુસ્તાનકી આઝાદીકે ખ્વાબ.ઉન ખ્વાબોંમેં ક્યા થા? વહ ખ્વાબ ખાલી યહ તો નહીં થા કિ અંગ્રેજ  કૌમ યહાંસે ચલી જાએ ઔર હમ ફિર એક ગિરી હુઇ હાલતમેં રહેં. જોસ્વપ્ન થા  વહ યહ કિ હિંદુસ્તાનમેં કરોડોં આદમિયોંકી હાલત અચ્છી હો,ઉનકી ગરીબી દૂર હો,ઉનકી બેકારી દૂર હો,ઉન્હેં ખાના મિલે, રહનેકો ઘર મિલે,પહનનેકો કપડા મિલે, સબ બચ્ચોંકો પઢાઇ મિલે. ઔર  હરેક શખ્સકો મૌકા મિલે કિ હિંદુસ્તાનમેં વહ તરક્કી કર સકે, મુલ્કકી ખિદમત કરે, ઔર ઇસ તરહસે સારા મુલ્ક

ઉઠે.થોડેસે આદમિયોંકે હુકૂમતકી ઊંચી કુરસી પર બૈઠનેસે મુલ્ક નહીં ઉઠતે હૈં. મુલ્ક ઉઠતે હૈં જબ કરોડોં આદમી ખુશહાલ હોતે હૈં. ઔર તરક્કી કર સકતે હૈં.હમને ઐસા સ્વપ્ન દેખા ઔર ઉસીકે સાથ સોચા કિ જબ હિંદુસ્તાનકે કરોડોં આદમિયોંકે લિએ દરવાજે ખુલેંગે,તો ઉનમેંસે લાખોં ઐસે ઊંચે દર્જે કે લોગ નિકલેંગે જો કિ નામ હાસિલ કરેંગે ઔર દુનિયા પર અસર પૈદા કરેંગે.

હમ લોગોંને એક જમાનેસે, જહાં તક હમમેં તાકત થી ઔર કુવ્વત થી, હિંદુસ્તાનકી આઝાદીકી મશાલકો ઉઠાયા. હમારે બુઝુર્ગોને ઉસકો હમેં દિયા થા, હમને અપની તાકતકે મુતાબિક ઉસકો ઉઠાયા.લેકિન હમારા જમાના ભી અબ હલકે-હલકે ખત્મ હોતા હૈ ઔર ઉસમશાલકો ઉઠાને ઔર જલાએ રખનેકા બોઝ આપકે ઉપર હોગા, આપ જો હિંદુસ્તાનકી ઔલાદ હૈં, હિંદુસ્તાનકે રહને વાલે હૈં, ચાહે આપકા મઝહબ કુછ ભી હો,

ચાહે આપકા સૂબા યા પ્રાંત કુછભી હો. યાદ રખિયે,લોગ આતે હૈં, જાતે હૈં ઔર ગુજરતે હૈં:લેકિન મુલ્ક ઔર કૌમેં અમર હોતી હૈં, વે કભી ગુજરતી નહીં હૈં  જબતકઉનમેં જાન હૈ, જબતકકિ હિમ્મત હૈ.ઇસલિએ ઇસ મશાલકો આપ કાયમ રખિયે,ઔર અગર એક હાથ કમજોરીસે હટતા હૈ તો હજાર હાથ ઉસકો ઉઠાકર જ્લાએ રખનેકો હર વક્ત હાજિર હોં.

*************************************************************(2)

વડો પ્રધાન છું ,છતાંય…**પાનું26 અને 27(આઝાદી કી મશાલમાંથી)

 

વાહ! આ સાડીઓ તો બહુ સરસ છે.શી કિંમત છે?

જી, આ આઠસોની છે,  અને આ હજાર રૂપિયાની.

ઓહો! એ તો બહુ કિંમતી કહેવાય.એનાથી સસ્તી બતાવશો મને.?

તો આજુઓ પાંચસોની અને આ ચારસોની છે.

અરે ભાઇ, એ પણ કિંમતી ગણાય.કાંઇક ઓછી કિંમતની બતાવો, તો મારા જેવા ગરીબને પોસાય !

વાહ સરકાર-એવું શું  બોલોછો? આપ  તો અમારા વડાપ્રધાન છો- ગરીબ શાના?અને આ સાડીઓ તો આપને અમારે ભેટ આપવાની છે.

ના, મારા ભાઇ, એ ભેટ હું ન લઇ શકું.

કેમ વળી?અમારા વડા પ્રધાનને કાંઇક ભેટ ધરવાનો શું અમને અધિકાર નથી?

હું ભલે વડો પ્રધાન હોઉં,પણ તેનો અર્થ એ નહીં કે જે ચીજ હું ખરીદી ન શકું તેમ હોઉં, તે ભેટ રૂપે લઉં.વડો પ્રધાન છું છતાંયે હું છું તો ગરીબ જ. મારી હેસિયત પ્રમાણેની સાડીઓ જ હું ખરીદવા માગું છું.માટે ઓછી કિંમતવાળી સાડીઓ મને બતાવો.

રેશમના કારખાનાવાળાની બધી વિનવણીઓ નકામી ગઇ. આખરે લાચાર થઇને એને સસ્તી સાડીઓ બતાવવી પડી. અને એમાંથી ગરીબ ભારતના વડાપ્રધાન લાલ બહાદુરજીએ પોતાના પરિવાર માટે જોઇતી સાડીઓ ખરીદ કરી.

અમૃત મોદી.

************************************************************

 (3) અનિષ્ટનો આશ્રય ** વજુભાઇ શાહ ** પાનું 4 અને 5(આઝાદી કી મશાલમાંથી)

 

કોમવાદને આપણે રાષ્ટ્રના હિતનો તો કટ્ટો શત્રુ માનેલો છે કે એની સાથે પ્રાણાંતે પણ સમાધાન હોઇ શકે નહીં. તેમ છતાં, કેરળ પ્રદેશને સામ્યવાદની પકડમાંથી છોડાવવા કૉંગ્રેસ તથાપ્રજા-સમાજવાદી પક્ષ સાથે મળીને જંગ ખેલી રહ્યા હતા ત્યારે તેમણે ત્યાંની મુસ્લિમ લીગ સાથે સમજૂતી કરવાની ભૂલ કરી દીધી. પરિણામે , દેશના જાહેરજીવનમાંથી લગભગ નામશેષ થઇ ગયેલી મુસ્લિમ લીગને ફરીથી જાણે જીવન મળી ગયું; અને દેશમાં મુસ્લિમ કોમવાદ ફરીને ઊભો કરવાના પ્રયાસ એણે આરંભી દીધા. એક અનિષ્ટને ટાળવા માટે બીજા અનિષ્ટનો આશ્રય લેવો એ કેટલું બધું ખોટું  અને જોખમકારી છે, તે અંગેનું આ દુખદ દૃષ્ટાંત છે.

 કોમવાદ જો ભયંકર હોય તો સર્વ સ્થળે  અને સર્વ સંજોગોમાં એની સામે લડી લેવાનો રાષ્ટ્રવાદી બળોનો ધર્મ થાય છે. અમુક વિસ્તારમાં કોમવાદી લોકોની મોટી બહુમતી છે એટલે ત્યાં આપણે જીતી શકવાના નથી એમ સમજીને ત્યાં લડવાનું માંડી વાળવું, એ કોમવાદને માટે  રસ્તો સરળ કરી આપવા જેવું થાય છે.  બધા મતદારો કોમવાદી છે, અને તેમને આપણે સમજાવીશું  તોયે તેઓ કોમવાદી મટવાના નથી, એમ માનવું તે લોકો વિશે ને આપણી જાત વિશે અશ્રધ્ધા સેવવા જેવું છે.

એક પણ માણસનું મતપરિવર્તન ન થાય  તો પણ લોકો પાસે જઇને તેમને રાષ્ટ્રવાદની ભૂમિકા પરથી સમજાવવાની કોશિશ કરવી, એ રાષ્ટ્રવાદી સંસ્થાઓનું પ્રથમ કર્તવ્ય છે. ચૂંટણીમાં બેઠક મળે કે ન મળે પરંતુ કોમવાદને ખતમ કરવો જ છે, કોમવાદમાં ફસાયેલા લોકોને તેમાંથી બહાર કાઢવા જ છે, એવો સંકલ્પ પ્રતિકૂળ સંજોગોમાં તો ઊલટો  વિશેષ દૃઢ થવો જોઇએ.

 

(4)આરામખોર પ્રજા : હરામખોર  નેતા**ગુણવંત શાહ**પાનું11 અને 12//(આઝાદી કી મશાલમાંથી)

 

કડિયો કામચોરી કરે છે, બેલ દાર કામચોરી કરે છે, પ્લમ્બર કામચોરી કરે છે, સુથાર-લુહાર-દરજી- વાળંદ-ધોબી-મજૂર અને મહેતાજી કામચોરી કરે છે. કામચોરી, દિલચોરી અને દાણચોરીએ આપણા દેશને ફોલી ખાધો છે.આરામખોર પ્રજાને હરામખોર નેતાઓ જ મળે. પરીક્ષાકેન્દ્રોમા6 કાપલીમાતાની બોલબાલા હોય છે. પરીક્ષાકેન્દ્રો પર એકઠી થતી કાપલીઓનું વજન કેટલું? આખા દેશને  ડુબાડે તેટૅલું ! ગામેગામ મળી  આવતા આ સ્ફોટક પદાર્થંને શોધી કાઢવાનું કામ પોલીસનું નથી, પ્રજાનું છે. આપણા વિનિપાત માટે આપણને પાકિસ્તાનની ગરજ નથી; આ કાપલીઓ જ પૂરતી છે.

આવા સમાજમાં સાધુતા પણ સહજ ન હોઇ શકે. જે કામ કરવા માટે માણસને પૂરતો પગાર મળતો હોય,એ કામ કરી આપતી વખતે કોઇની ઉપર ઉપકાર કરતો હોય એવી લાગણી અનુભવનારો માણસ કદી ખરા અર્થમાં ધાર્મિક ન હોઇ શકે. આપણે ત્યાં ધાર્મિક્તા અને પ્રામાણિકતા વચ્ચે બહુ મેળ  ખાતો નથી હોતો.

દેશ સામેનો ખરો ખતરો દિલ્હીની બહાર નથી. જેટલાં વધારે ભાડાંભથ્થાં અને આડલાભો લઇલઇને પૈસા એકઠા થાય તેટલો કરવામાં આપણા ઊજળા પ્રતિનિધિઓને કોઇ જ વાતની મર્યાદા નડતી નથી. એકાદ ચેર્મેનપદું, એક મોટરગાડી, એક ઑફિસ, ઉપકારો ઠાલવવાની વિપુલ સત્તા, પ્રવાસભથ્થું, સરકીટ હાઉસની સુવિધા, ટેંડર,ટ્રાંસફર અને ટ્રાવેલ સાથે જોડાઇ ગયેલી ગળચટી ચશ્મપોશી એટલે આપણા ભ્રષ્ટ રાજકારણીઓનો બ્રેકફાસ્ટ. નિયમિત હપ્તા મળે તે લંચ અને મોટી રકમનાં બંડલો એ જ ડિનર !

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

(5) કૂતરાની જલેબી પેટે**રામભાઇ અમીન **પાનું 25 અને 26 **(આઝાદી કી મશાલમાંથી)

 

ગુજરાત સરકાર તરફથી નવરાત્રી મહોત્સવ ઊજવાઇ ગયો. આ ઉજવણી માટેનાં નાણાં રાજ્યની નવ મોટી કંપનીઓ પાસેથી ફાળારૂપે એકત્ર કરવામાં આવ્યાં હતાં. એવા અખબારી હેવાલો છે મને  એક વાત યાદ આવે છે.એક શેઠજી એમના ચોપડામાં કૂતરાને જલેબી માટે એમ લખીને પેઢીના ખર્ચ તરીકે બતાવતા. ઇન્કમટેક્સ ખાતામાં જ્યારે આ ચોપડા રજૂ કર્યા ત્યારે ઑફિસરે પૂછ્યું: શેઠજી, આ કૂતરાની જલેબીનું ખર્ચ વારંવાર બતાવ્યું છે તેનો  શો અર્થ?   ત્યારે શેઠજી કહે, સાહેબ, તમારા જેવા સરકારી માણસો આવે  અને એક યા બીજા બહાને નાણાંની મદદ માગે અને તે વખતે જે નાણાં આપીએ તેનું ખર્ચ અમે કૂતરાની જલેબી તરીકે બતાવીએ છીએ. પેલા ઇન્કમટેક્સ ઑફિસરે ખર્ચ માન્ય કર્યું.

 હવે સવાલ થશે કે (1)શું નવરાત્રી મહોત્સવ ઊજવવાની રાજ્યની ફરજ ખરી? (2)જો હોય તો રાજ્યાના ખર્ચ  ખર્ચે કેમ નહીં? (3( જો સરકાર આ રીતે નાણાં લે તો આ કંપનીઓ તેનો બદલો નહીં માંગે? (4)જો તેમના ઉદ્યોગો પ્રદૂષણ ફેલાવતા હશે અને પ્રદૂષણ બોર્ડે  નોટિસ આપી હશે તો સરકારને એ નોટિસ પાછી ખેંચવી પડશે અથવા તેનો અમલ મોકૂફ રાખવો પડશે. શું આ બાબત રાજ્યનો યોગ્ય રીતે વહીવટ કરવામાં બાધા ઊભી નહીં કરે?(5) આ કંપનીઓ તો મદદ કરવા હંમેશાં તૈયાર હોય છે. તેમની મદદ જો સંસદ-સભ્ય ચૂંટણી વખતે  લે તો તે લાંચ લીધી તેમ ગણતા હો, તો મુખ્ય મંત્રી મદદ લે તો લાંચ લીધી કેમ  ન ગણાય?(6)આ રીતે નાણાં લીધા પછી સરકાર નિષ્પક્ષ રીતે વહીવટ કરી શકશે ખરી?(7)આ કંપનીઓ તો ગમે તે રાજકારણીને મદદ કરવા તૈયાર હોય છે,જો રાજકારણી એવી મદદ લે તો પોતાનું કામ જાહેર હિતમાં કરી શકે ખરા?(8) કેટલાંક મંત્રીઓ એમની સત્તા તળેનાં સરકારી ઉદ્યોગોના ખર્ચે એમનાં રહેઠાણો તેમજ ઑફિસની સજાવટ કરાવતા હતા તેને પણ લાંચ  ગણવામાં આવે છે. તો પછી, સરકાર પોતાની ઉજવણીના ખર્ચ પેટે આ રીતે નાણાં મેળવે તે અનૈતિક ગણાય.કાલે ઊઠીને તેઓ નાણાં મેળવીને એ  નાણાં  પોતાની પાસે રાખે અને ખર્ચ રાજ્યના બજેટમાં બતાવે તો આપણે ક્યાંથી જાણી શકીએ?

===============================================================

(6) સોદાબાજી નહીં…..નહીં…. ને નહીં જ **પ્રભાકર ખમાર **પાનું 19 થી 22(આઝાદી કી મશાલમાંથી)

ચૂંટણી વખતે  રાજકીય પક્ષો ઉદ્યોગપતિઓ પાસેથી ચિક્કાર નાણાં પડાવે છે. અને ઉદ્યોગપતિઓ ચૂંટણીમાં આપેલાં નાણાંનું વળતર મેળવી લેતા જ હોય છે. ચૂંટણી પછી એ બોજ છેવટે તો પ્રજા ઉપર જ પડે છે. આજે આવી પરિસ્થિતિ પ્રવર્તે છે ત્યારે, ગાંધીયુગના નેતાઓની પ્રતિષ્ઠા કેવી ઊંચી હતી !

ચૂંટણીના ખર્ચ માટે કે લોકોપયોગી કામો માટે સરદાર વલ્લભભાઇ નાણાં ઉઘરાવતા ત્યારે પ્રજા ઉદાર હાથે એમની થેલી ઝલકાવી દેતી. તેમાં અંગત રીતે સરદારનો ભાવ, પ્રામાણિકતા અને પ્રતિષ્ઠા કામ કરતી હતી. તેઓ મૂડીવાદીઓને શરણે ગયા નહોતા કે એમાના અહેસાન નીચે કદી આવ્યા નહોતા. અંગત સંબંધ રાખવા છતાં એમની શેહશરમમાં કદી ખેંચાયા નહોતા.

1935માં પ્રાંતિક ધારાસભાઓની ચૂંટણી વખતે રાજેન્દ્ર પ્રસાદે સરદારની ફરિયાદ કરી કે ચૂંટણી ફંડ માટે જે.આર.ડી. તાતા કેટલીક સોદાબાજી કરવા માગે છે. સરદારે તાતાને મળવા બોલાવ્યા. તાતાએ માગણી કરી કે, ઉમેદવારો નક્કી કરવાની સમિતિમાં મારો એક માણસ મૂકો તો નાણાં આપું. સરદારે એનો ઇનકાર કર્યો અને પૂછ્યું,તમે તમારી કંપનીમાં અમારા કોઇ માણસને મેનેજમેંટ કમિટિમાં મૂકશો ખરાં? તાતા એ સાંભળી, સહી કરેલો કોરો ચેક સરદારના હાથમાં મૂકી સસ્મિત વદને વિદાય થઇ ગયા.

એકવાર દાલમિયા શેઠના સેક્રેટરી ધર્મદેવ સરદારના સેક્રેટરી શાંતિલાલ હ. શાહ ને મળવા આવ્યા. તેમણે કહ્યું કે દાલમિયા શેઠ ચૂંટણી ફંડ માટે બે લાખ રૂપિયા આપવા માગે છે. સરદાર એ સ્વીકારશે ખરા? શાંતિભાઇએ સરદારને પૂછ્યું. સરદારે જવાબ આપ્યો, લઇશું બીજે દિવસે ધર્મદેવ ફરી આવ્યા અને શાંતિભાઇને કહ્યું કે દાલમિયા શેઠ ઇચ્છે છે કે સરદારસાહેબ તેમને ત્યાં ચા પીવા આવે અને  એ સમયે તેઓ આ રકમ તેમક્ને સુપરત કરશે.શાંતિભાઇએ આ સંદેશો કહ્યો તેવા જ સરદાર તાડૂકી  ઊઠયા : જુઓ, શાંતિલાલ, એમને સ્પષ્ટ જણાવો કે ચેક મોકલવો હોય તો મોકલે, નહીં તો એમની મરજી. આ કામ માટે  હું એમના ઘેર નહીં આવું.

શાંતિલાલે એ સંદેશો ધર્મદેવને આપ્યો અને સરદારનો સંદેશો સાંભળી દાલમિયા શેઠે બે લાખમાં પચીસ હજાર ઉમેરીને સવા બે લાખનો ચેક તરત જ સરદારને મોકલી આપ્યો. આ હતી સરદારની ખુમારી અને રાજકીય  સૂઝ. એ સાથે હૃદયની ઋજુતા પણ જુઓ. પંદર દિવસ પછી સરદાર સામેથી કહેવરાવીને દાલમિયાને ત્યાં ચા પીવા ગયા.

શેઠ વાલચંદ હીરાચંદ સરદારના મિત્ર હતા,. ધંધાકીય અને સામાજિક બાબતોમાં સરદારની સલાહ પણ લેતા.1934માં મહારાષ્ટ્રની ધારાસભાની ચૂંટણી હતી. સરદારે એક બેઠક માટે વી.એન. ગાડગીલ ઉપર પસંદગી ઉતારેલી. વાલચંદ શેઠને આ બેઠક ઉપર ઊભા રહેવું હતું. ગાડગીલ સરદારના વિશ્વાસુ  સાથીદાર હતા. વાલચંદ શેઠને ધનિક વર્ગનો ટેકો હતો. આથી કેટલાક ઉદ્યોગપતિઓ વાલચંદ શેઠની વકીલાત કરવા સરદારને મળવા આવ્યા અને રજૂઆત કરી કે આ બેઠક જો વાલચંદ શેઠને અપાય તો ચૂંટણી ભંડોળમાં અમુક લાખ રૂપિયા આપવામાં આવશે. સરદારે સ્પષ્ટ શબ્દોમાં એ સોદાબાજીનો ઇનકાર કર્યો. એટલું જ નહીં, જો વાલચંદ શેઠ એ બેઠક પર અન્ય પક્ષ તરફથી અથવા અપક્ષ ઊભા રહેશે તો પણ પરાજિત થશે એવી ચેતવણી પણ ઉચ્ચારી. અને ખરેખર એમજ થયું. વાલચંદ શેઠ પરાજિત થયા. સરદારે બતાવી આપ્યું કે નાણાંના જોરે રાજકીય સોદાબાજીને એમના જીવનમાં સ્થાન નથી.

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ (7)   પામરતાનું પાપ** મો.ક. ગાંધી **પાનું 8 અને 9(આઝાદી કી મશાલમાંથી)

દેશમાં પક્ષો તો હંમેશાં રહેવાના જ. પણ આપણામાંથી  જે વસ્તુ હું દૂર કરવા ઇચ્છું છું તે તો એ કે, આપણે એકબીજા પર ખોટા હેતુઓનું આરોપણ ન કરીએ. આપણને ઘેરી વળેલું પાપ એ આપણા મતભેદો નથી પણ આપણી પામરતા છે. શબ્દો ઉપર આપણે મારામારી કરીએ છીએ. ઘણી વાર તો પડછાયાને માટે આપણે લડીએ અને મૂળ વસ્તુ જ ખોઇ બેસીએ છીએ. ખરેખર નડનારી વસ્તુ આપણા મતભેદો નથી, પણ અતેની પાછળ રહેલી આપણી લઘુતા છે.

0000000000000000000000000000000000000000000000000000                        (8)છે કોઇ વીરલો ?//રાજમોહન ગાંધી//પાનું 10 અને 11(આઝાદી કી મશાલમાંથી)

તમામ સંપત્તિ પેદા થાય છે માત્ર મહેનતમાંથી. આપણે બધા મહેનત ઓછી કરીએ, કામ ઓછું કરીએ, કામ ઓછું કરીએ અને છતાં રાષ્ટ્રનું ઉત્પાદન વધે, એટલે કે રાષ્ટ્રની સંપત્તિ વધે, તે તો અશક્ય છે. કરોડો ભારતવાસીઓને પડકારીને વધારે પરિશ્રમ કરવાની પ્રેરણા કઇ રીતે આપી શકાય ?જાતે વધુ આપવાની અને બદલામાં ઓછું માગવાની ચાનક એ કરોડોને શી રીતે ચડાવી શકાય?એવો કોઇ માનવી છે ખરો, જે રાષ્ટ્રને સત્ય સંભળાવે?પોતાનો જ સ્વાર્થ, પોતાની જ ભીરુતા આપણા રાષ્ટ્રની કૂચની આડે આવે છે, એવું કહેનારો છે કોઇ વીરલો?

+++++++++++++++++++++++++++++++++++++++++++++

(9)        જૂનું માનસ અકબંધ//મનુભાઇ પંચોળી//પાનું 12 થી 14(આઝાદી કી મશાલમાંથી)

 

ગાંધીજીએ હિંદ સ્વરાજમાં કહ્યું છે કે અંગ્રેજોએ હિંદુસ્તાન જીત્યું નથી, પણ આપણે તેમને સોંપી દીધું છે.ભારે માર્મિક અને કડવું લાગે તેવું છતાં અંદરથી સાચું વાક્ય છે. તે દિવસે સાચું, તેટલું જ આજે પણ સાચું. અંગ્રેજો થોડા હતા, ને આપણે અસંખ્ય હતા. આ થોડાએ અસંખ્યને કેમ હરાવ્યા? આ થોડા અંગ્રેજોને લશ્કરનાસિપાહીઓ ને વહીવટદારો કોણે પૂરા પાડ્યા? આપણે જ એમના સિપાહી થયા, એમના વહીવટદાર થયા. તેનો અર્થ એ કે આપણે જ એમને આપણો દેશ સોંપી દીધો.

જમાનો બદલાતો ગયો, પણ આપણે ન બદલાયા.ન્યાતજાતનાં તે જ કૂંડાળા , તે જ ધાર્મિક રૂઢિઓ, તે જ પરલોક-પરાયણતા, આ લોક વિશે તે જ બેદરકારી. આ બધાં અપલક્ષણો સાથે આપણે નવું બંધારણ ને નવી રાજપધ્ધતિ લાવ્યા, પણ આપણે તો જૂના ને જૂના જ રહ્યા. કોળી કોળી માટે, કણબી કણબી માટે, ગરાસદાર ગરાસદાર માટે, ભણેલા- ખરી રીતે ભૂલેલા- ભણેલા માટે, આ નવો જ્ઞાતિવાદ. બધું જૂનું માનસ અકબંધ રહ્યું.

અંગ્રેજો ગયા, ગોરા સાહેબોને બદલે ઘઉંવર્ણા સાહેબો આવ્યા. તે આપણા મુનીમ છે, રાજ્ય આપણું છે તે આપણા લાભમાં ચાલે, એ જાતની જાગૃતિ નથી,જ્ઞાન કે અભ્યાસ નથી. રાજકારણનું પાયાનું જ્ઞાન સૌને મળે તેવા પ્રજાકીય પ્રૌઢ શિક્ષણની જરૂર છે. તે માટે આપણે જૂના વિચારો, જૂના આચારો, જૂની વર્ણવ્યવસ્થા, એવું કાંઇ કાંઇ બદલવું પડ્શે. નહીંતર એ જ મતદાનથી નબળાં તત્ત્વો સત્તા પર આવશે. અંગ્રેજોને આપણે જ આપણો દેશ સોંપી દીધેલો, તેમ આજે દેશ ન્યાતજાતને આપણે સોંપી દીધો છે.

લોકશાહી તો એવું ઝાડ છે જેનો રસ પાંદડે પાંદડે, ડાળીએ ડાળીએ, મૂળિયામાં, થડમાં, થડમાં બધે ઊતરેલો હોય. પરંતુ આપણી લોકશાહી કેવળ રાજકીય લોકશાહી છે.સામાજિક લોકશાહી હજી જન્મી નથી. શું શેઠ અને ગુમાસ્તા વચ્ચે લોકશાહી છે? અરે, પતિ-પત્ની વચ્ચે પણક્યાં લોકશાહી છે? ખાઇ-પીને પતિદેવ આરામથી ખાટ પર બેસે, અને પત્ની ઠામ ઊટકવા બેસે ! આ રીતે માત્ર રાજકીય લોકશાહી હોય તે કેમ ટકી શકે?

!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

 

 

 

Advertisements