You are currently browsing the daily archive for ફેબ્રુવારી 15, 2018.

(5)

કુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે;

કળીઓને ગલપચીથી હસાવી નહીં શકે.

એવા કોઈ સમયને ઝંખું છું રાતદિન,

તું આવવાને ચાહે  ને આવી નહીં શકે.

મારા કવનનું આટલું ઊંડું મનન ન કર,

કંઈ યાદ થઈ જશે તો ભુલાવી નહીં શકે.

ના માંગ એની પાસે ગજાથી વધુ જીવન,

એક પળ એ એવી દેશે વિતાવી નહીં શકે.

વસવું જ હો તો જા જઈ એના જીવનમાં વસ,

તારા જીવનમાં એને વસાવી નહીં શકે.

આંખો નિરાશ, ચેહરે ઉદાસી આ શું થયું?

જા, હમણાં તારો હાલ સુણાવી નહીં શકે.

અંતિમ દર્દ હોય તો આવે છે સ્તબ્ધતા,

સાચો વિરહ છે એ જે રડાવી નહીં શકે.

તે વેળા જાણજે હવે તારી નથી જરૂર,

જ્યારે તને કશુંય સતાવી નહીં શકે.

ઝાહેદ સહજપણે જરા મારાથી વાત કર,

કરશે અગર દલીલ તો ફાવી નહીં શકે.

એનો પ્રકાશ આગ નથી તેજ છે ‘મરીઝ’,

આશાના દીપ કોઈ બુઝાવી નહીં શકે.

(6)

કુદરતનું રમ્ય મૌન ઘડીભર મને મળે;

કરવી છે કંઈક વાત તમારી ઝબાનમાંઝબાનમાં.

ઓ દિલના દર્દ, જોઈએ એવી વિચિત્રતા,

ખુદ એમનાથી ભૂલ હો જેના નિદાનમાં.

ઉપરથી જો જુઓ તો હું રઝળું છું ચોતરફ,

જાણેછે કોણ! હું છું હજી મારા સ્થાનમાં.

એનો હિસાબ થાશે ક્યામતના દિવસે,

ચાલે છે એવું ખાતું સુરાની દુકાનમાં.

ઈઝ્ઝત એ શું કે જેનો સ્થિતિ પર મદાર હો,

દુનિયાથી પર બને તે રહે છે સ્વમાનમાં.

આગળ જતાં એ ખૂનનાં આંસુ બની ગયાં,

એ ખૂન જે રહી ન શક્યું ખાનદાનમાં.

તોફાન ક્યાં જગતનાં અને ક્યાં અમે ‘મરીઝ’,

દરિયાનું જોર ખાલી થયું છે સુકાનમાં.

હો ગુર્જરીની ઓથ કે ઉર્દૂની ઓ ‘મરીઝ’,

ગઝલો ફક્ત લખાય છે દિલને ઝબાનમાં.

——————————————-