You are currently browsing the category archive for the ‘Uncategorized’ category.

MUB.SAMACHAR 31OCT

દીકરાએ સાકાર કર્યું માતાનું સપનું/કલ્પના મહેતા

‘પુરુષ ’પૂર્તિ(કવર સ્ટોરી)મુંબઈ સમાચાર, 31 ઓક્ટોબર,2017

જીવનમાં સેવેલા સપનાં, ઈચ્છા-અરમાનો હંમેશા પૂરા જ થાય એ કંઈ જરૂરી નથી હોતું. નક્કી કરેલી દિશામાં આગળ વધવાનો સંકલ્પ કરીને શરૂઆત કરી શકાય, પણ દિશા ક્યારે ફંટાઈ જાય એ કહી શકાય નહીં. ઘણા માતા-પિતાના જીવનમાં બનતું હોય છે કે તેમણે સેવેલા સમણાં કે તેમના અરમાનોની ઈચ્છાપૂર્તિ તેમના સંતાનો કરે. કલકત્તા નજીક આવેલા હાંસપુકુર ગામના નિવાસી અજૉય મિસ્ત્રીએ પિતાના અકાળે અવસાનને પગલે માએ કરેલા નિશ્ચયનું હકીકતમાં રૂપાંતર કરીને માનવસેવાનું કાર્ય તો કર્યું જ છે, પણ સાથે આપણો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો કેટલો ઉજ્જવળ છે એનું એક વધુ ઉદાહરણ પૂરું પાડયું છે. યોગ્ય સારવારના અભાવે પતિના મૃત્યુ બાદ સુહાસિની મિસ્ત્રીએ હૉસ્પિટલ બાંધવાનું મનોમન નક્કી કર્યું હતું અને દીકરાએ સંઘર્ષ કરીને માની ઈચ્છા પૂરી કરી.

કેટલાક લોકોના જીવનમાં સંઘર્ષ બાળપણથી જ લખાયેલો હોય છે. જે ઉંમર રમકડાં સાથે રમવાની હોય એ વયે સંઘર્ષ સાથે ખેલ ખેલવા પડે એવી પરિસ્થિતિ પેદા થતી હોય છે. અજોય મિસ્ત્રીના જીવનમાં જાણે એવા જ લેખ લખાયા હતા. એમની ઉંમર માત્ર ચાર વર્ષની હતી ત્યારે યોગ્ય તબીબી સારવારના અભાવે શાકભાજીના વેચાણનું કામ કરતા તેમના પિતાનું 35 વર્ષની ઉંમરે 1971માં અવસાન થયું. એ સમયે બાળક અજોયની માતા સુહાસિનીની વય હતી માત્ર 23વર્ષ. ભર જુવાનીમાં જીવનસાથી ગુમાવી દેવાનું દુ:ખ તો જેણે ભોગવ્યું હોય એ જ જાણે. કહે છે ને કે દુ:ખ આવે છે ત્યારે ઘણી વખત સાથે ફોજ લઈને આવતું હોય છે. પતિ ગુમાવવાની પીડા જાણે ઓછી હોય એમ કારમી ગરીબીમાં જીવતી મહિલાએ પતિના અવસાનના એક જ મહિનામાં ચાર બાળકો સાથે ઘર છોડીને બહાર નીકળવું પડ્યું.

જોકે, દૃઢ મનોબળ ધરાવતા સુહાસિની આ આંચકા પચાવી શક્યા અને રોદણા રડતા રહેવાને બદલે તેમણે એક નિશ્ચય કર્યો, એક સંકલ્પ કર્યો. તેમણે નક્કી કર્યું કે એ જ ગામમાં પોતે એક હૉસ્પિટલ ઊભી કરશે જેથી કેવળ સારવારના જ અભાવે કોઈ પણ ગરીબ દરદીનું અવસાન ન થાય. વિચાર તો સારો હતો, પણ ઘણી વખત નિર્ણય કરવોઆસાન હોય છે, પણ એને અમલમાં મૂકવો અત્યંત કપરું કામ હોય છે. આવે વખતે લોકોને જોણું થતું હોય છે અને એટલે ગામવાસીઓ આ મહિલાની ઠેકડી ઉડાડવા લાગ્યા. એનું કારણ હતું  સુહાસિની ગરીબ અને અભણ હતાં.’શાકભાજી વેચવાની શરૂઆત કરી ત્યારે જે મહિલાને પૈસા ગણતા પણ નહોતું આવડતું અને જે પોતાનું વેરવિખેર થઈ ગયેલું ઘર પણ ન બાંધી શકી હોય એ સ્ત્રી હૉસ્પિટલ કઈ રીતે બાંધી શકે?’ જેવી વાતો ગામવાસીઓમાં કાનોકાન થઈ રહી હતી. જોકે, આ બધી વાતો સામે સુહાસિનીએ આંખ આડા કાન કર્યા, બહુ દરકાર ન કરી. દૃઢ મનોબળ ધરાવતી વ્યક્તિઓમાં આવો ગુણ હોય છે. લોકો શું કહે છે એના કરતાં પોતાને શું કરવાનું છે એના પર એ વ્યક્તિ વધુ ધ્યાન આપતી હોય છે. સુહાસિનીએ ગામવાસીઓને ખોટા સાબિત કરવાનો મક્કમ નિર્ધાર કરીને પોતાના લક્ષ્ય તરફ આગળ વધવાનું નક્કી કર્યું. ઈમારત બાંધવી હોય તો પહેલા ઈંટ ભેગી કરવી પડે. એટલે કે નાના પાયે શરૂઆત કરવી પડે. સુહાસિનીએ ગરીબો માટે પોતાના ઘરમાંજ એક દવાખાનું શરૂ કર્યું. વાત આટલેથી પૂરી નહોતી થતી. દવાખાનામાં ડૉક્ટર તો હોવો જોઈએ ને. પ્રયત્નો પછી તેઓ એક ડૉક્ટરને દર અઠવાડિયે એક વાર પોતાને ગામ આવીને સારવાર કરવા સમજાવી શક્યા. એ ડૉક્ટર ક્વૉલિફાઈડ હોવાની સાથે દરદીની સારવારમાં પારંગત પણ હોવાને કારણે ગામના ઘણાં દરદીઓને લાભ મળ્યો અને સારવારને પગલે માંદગીમાંથી તેઓ બેઠા થઈ શક્યા. ધીમે ધીમે આ દવાખાનાની શાખ વધવા લાગી એટલે સુહાસિનીએ હૉસ્પિટલ બાંધવાના સમણાને આકાર આપવાનું નક્કી કર્યું. આ દરમિયાન તેમનાં બાળકો ઉછરી રહ્યા હતા અને સમજણા પણ થયા હતા. બે દીકરીઓને યોગ્ય જગ્યાએ પરણાવી દીધી. તેમને સારું સાસરું મળી જતા સુહાસિનીને માથેથી એક ચિંતા ઓછી થઈ. બે દીકરામાંથી મોટો દીકરો ભણવામાં નબળો હતો અને એટલે તેણે ખેતમજૂરનું કામ સ્વીકારી લીધું. ચારેય સંતાનોમાં સૌથી નાનો પુત્ર અજોય પર માતાનો મદાર હતો.આ દીકરો પણ જાણે માના અરમાન પૂરા કરવાનો હોય એમ શાળાના ભણતરમાં જ તેજસ્વી સાબિત થયો. મેડિકલ અભ્યાસના પ્રવેશની દેશામાં પહેલા કદમ તરીકે અજોય બારમા ધોરણમાં સફળતા મેળવી અને ત્યાર બાદ ઑલ ઈન્ડિયા મેડિકલ એન્ટ્રન્સ ટેસ્ટ પણ પાસ કરી. ભણતર દરમિયાનજે પણ વિઘ્નો આવ્યા તેની દરકાર કર્યા વિના અજોય આગળ વધતો રહ્યો.તેને શિષ્યવૃત્તિ મળી ગઈ અને તેણે કલકત્તા મેડિકલ કૉલેજમાં ઍડ્ મિશન મેળવી લીધું.

મહેનત અને ખંતથી અભ્યાસ કરતા અજોયે માને આકરી મહેનત કરતા જોઈ હતી. મેડિકલ કૉલેજમાં પ્રવેશ મળી ગયા પછી તેણે જીવનમાં અન્ય જરૂરિયાતોની બાદબાકી કરીને એક જ નિર્ધાર કર્યો કે માનું સ્વપ્ન સાકાર કરવાને જ પ્રાધાન્ય આપવું. ભણતર દરમિયાન કોઈ પણ પ્રકારના પ્રલોભનોને વશ થયા વિના આ યુવાને નિષ્ઠાપૂર્વક અભ્યાસ કરીને ડૉક્ટરની ડિગ્રી મેળવી લીધી. હવે હૉસ્પિટલ બાંધવાનું મિશન પાર પાડવાનું હતું  મિત્રો અને શુભેચ્છકો તેમ જ અન્ય કેટલીક વ્યક્તિઓનો સંપક કરીને એંસી હજાર રૂપિયા એકઠા કરવામાં સફળતા મેળવી. પાશેરામાં પૂણી જેવા આરકમની મદદથી અજોયે માના સપનાની હૉસ્પિટલની ઈમારતનો પાયો નાખવામાં સફળતા મેળવી. દીકરાની નિષ્ઠાની તેમ જ તેની ધગશની અને સંઘર્ષની વાતો ચારે કોર ફેલાવા લાગી અને મદદનું વહેણ શરૂ થયું. ઈંટ પર ઈંટ ગોઠવાતી ગઈ અને ઈમારત આકાર લેતી ગઈ. જરૂરિયાતમંદોને કાયમ સહાય કરવી એ માનો ગુણ દીકરામાં ઊતરી આવ્યો હતો. 2009નું ઉદાહરણ દીકરાની દૃઢતા અને મક્કમતાનો પરિચય  કરાવે છે. એ વખતે સુંદરવનમાં વિનાશકારી વાવાઝોડાએ કાળો કેર વર્તાવ્યો હતો. એ સમયે કેટલાક સાથી તબીબોને લઈને અજોય પશ્ચિમ બંગાળના અંતરિયાળ વિસ્તારોમાં રાહતનાં કાર્યો કરવા ઉપડી ગયો. સંતરાગાછી નામના ગામમાં ઘણાં વર્ષોથી યોગ્ય તબીબી સેવા નહોતી મળી રહી. અજોયે મક્કમ નિર્ધાર કર્યો કે આ ગામને સારી મેડિકલ સગવડ મળી રહે એ માટે પ્રયત્નો કરવા. પૈસાની છૂટ નહોતી, પણ હિંમત અમાપ હતી. એટલે બાંબુ અને પોલિથીનની શીટની મદદથી એક કામચલાઉ દવાખાનું ઊભું કરી દીધું. વાત ફેલાઈ જવાને કારણે આસપાસના ગામડાંમાંથી સારવાર લેવા લોકો આવવા લાગ્યા. દરદીઓની સંખ્યા વધવાથી અજોયે દવાખાનું મોટું બનાવીને સગવડો પણ વધારી. આ ઉપરાંત તેમણે સ્થાનિક લોકોને પાયાનું શિક્ષણ આપવાની શરૂઆત કરી જેથી પ્રાથમિક ઉપચાર તેમની ગેરહાજરીમાં અને તાત્કાલિક ધોરણે થઈ શકે. આ સંદર્ભમાં અજોય મિસ્ત્રી જણાવે છે કે’આઝાદીના સાત દાયકા પછી લોકો સ્વાતંત્ર્યનો ખરો અનુભવ કરી રહ્યા છે. પોતાને માટે કંઈક થઈ રહ્યું હોવાની લાગણી તેઓ અનુભવી રહ્યા છે.’ અજોય મૂળભૂત તબીબી સારવાર પણ ન મેળવી શકનારા લોકો પ્રાથમિક તબીબી તાલીમ મેળવીને અન્ય ગામવાસીઓને મદદરૂપ થઈ રહ્યા છે. આ ટીમના પ્રયત્નોને કારણે જ જે લોકોને બીમારીની સારવાર માટે 150 કિલોમીટર દૂર સુધીનો પ્રવાસ કરવો પડતો હતો એ લોકો માટે તબીબી સેવા ઘર આંગણે જ ઊભી થઈ ગઈ છે. હૉસ્પિટલ ઊભી કરવાની સાથે અજોય મિસ્ત્રીએ ચોખ્ખા પાણીની સમસ્યા, વીજળીનો અભાવ અને વાહનવ્યવહારની તકલીફ જેવી  વિષમ પરિસ્થિતિનો સામનો કરીને માનું સપનું સાકાર કર્યું. આ સંઘર્ષ યાત્રાનો નિચોડ પ્રતિક્ર્યામાં સુંદર રીતે વ્યક્ત કરી અજોય જણાવે છે કે’ ઉમંગ અને ઉત્સાહની સાથે માનસિક મનોબળ, દૃઢતા અને પ્રામાણિકતાનો સંયોગ થાય તો કોઈ પણ સપનું સાકાર થઈ શકે.’

************************************

 

Advertisements

(જન્મભૂમિ-પ્રવાસી 22 ઓક્ટોબર,2017 ,મધુવન પૂર્તિ,પાનું:7)

લાભપાંચમ… મનપાંચમ… શુભપાંચમ

(શ્વાસનું રિચાર્જ—પ્રણવ પંડ્યા)

દિવાળીનો ઝગમગાટ સડસડાટ પસાર થઈ ગયો છે પણ કોઈ હજી અજવાસ ઓસર્યો નથી. માણસોએ દિવાળી ઉજવી લીધી છે પણ હજી દેવની દિવાળી બાકી છે. એ રીતે માણસ દેવ કરતાં પણ આગળ છે, ઉજવણીની બાબતમાં તો ખરું જ! આપણે ઉત્તરાયણ પછી વાસી ઉત્તરાય ણ જોઈએ. આઠમ પછી પારણાં નોમ જોઈએ અને દિવાળી પછી દેવ દિવાળી. યંત્રોને પણ સમયાંતરે સર્વિસ કરવા પડે છે. ઉત્સવો –તહેવારો એ માનસજાતની આવી જ ઉમંગભરી સર્વિસ છે ! કીચૂડાટ કરવા લાગેલું આપણું  રૂટિન ઉત્સવમાંથી પસાર થઈને ફરી સડસડાટ દોડવા માંડે છે. નવા દિવસો છે, નવો ઉત્સાહ છે. નવું બધાને ગમતું હોય છે એટલે જ તો દરેક વાતચીતના આરંભે પુછાતું હોય છે. શું છે નવીનમાં? અલબત્ત આવા સવાલની પછવાડે કૈંક  નવીન કે નૂતન થવું જોઈએ એવી અપેક્ષા ડોકિયા કરતી હોય છે. નવો સમય નવા સંકલ્પોનો શણગાર પામીને ઉભો છે. આપણાસંકલ્પોની આવરદા આપણે જાણીએ છીએ અને છતાં સંકલ્પ કરવામાં આપણે બહુ પાવરધા છીએ! વળી, આપણા સંકલ્પ અલ્પ પણ ન હોય ! પછેડી જેવડી સોડ તાણવી એ બ્રહ્મજ્ઞાન સંકલ્પની બાબતમાં આ દિવસોમાં પછેડીની બહાર ધકેલી દેવાય છે!

પુણ્ય સંકલ્પ માટે એક સરસ શબ્દ છે મનોરથ. મનોરથ કેવળ રાખવાનો ન હોય, મનોરથ સેવવાનો હોય, તો જ એ સાકાર થાય. પરમના મનોરથ રાખી શકાય તો સ્વયંના મનોરથ કેમ ન રાખી શકાય?! કેટલાકનાં મન હિટલરની ગેસચેમ્બર જેવા હોય છે જેમાં સેંકડો મનોરથ ગૂંગળાઈ ગૂંગળાઈને મરી જતાં હોય છે. આપણે ધનતેરસ ઉજવીએ છીએ પણ મનતેરસ ક્યારેય નથી ઉજવતા. જે તિથિમાં સમય સાથે મન અને આત્મા જોડાય છે ત્યારે પ્રત્યેક તિથી ઋષિપંચમી જેવી પાવક, વસંતપંચમી જેવી આહ્લાદક અને લાભ પાંચમ જેવી પોષક બની રહે. શુભારંભ માટે હમણાં લાભપાંચમ પસંદ કરાશે, પણ કવિ રમેશ પારેખ તો મનપાંચમ ઉજવી અને એની ઉજવણી કરતો મેળો પણ સર્જી નાખ્યો !–

આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે

કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે

કોઈ ફુગ્ગાનું ફૂટવું લાવ્યાં, કોઈ દોરાનું તૂટવું લાવ્યાં

કોઈ અધકચરા કોઈ અણોસરા ઝાઝબાત લઈને આવ્યાં છે

ફુગ્ગો ફૂટી જવા માટે સર્જાયો હોય છે પણ ફૂટી જતાં પહેલાં એ ફુગ્ગો કોઈ બાળકના આક્રંદને આનંદમાં ફેરવી નાખે તો એનું ફુગ્ગાપણું સાર્થક. દોરો પણ તૂટી જવાનો, પણ તૂટતાં પહેલાં એ કોઈ ફૂલોને, કોઈ મણકાને કે કોઈ પહેરણના ટુકડાને જોડી આપે તો એના તૂટવા પર વધુ અફસોસ નથી થતો. માણસ પણ ફુગ્ગાની જેમ હવાથી જીવે છે. સંબંધોના દોરાઓથી વીંટળાયેલો છે. આ દોરો સ્વયં તૂટે એ પહેલા એણે અન્યને જોડવાનું કામ કરવાનું છે.સંબંધના દોરા બહુ કાચા હોય છે જેને તૂટી જતાં વાર નથી લાગતી. તૂટેલા દોરને સાંધીએ તો પણ વચ્ચે ગાંઠ આવી જાય છે જે કાયમ ખટક્યા કરે છે. ગાંઠ ઉકેલવા ખાસ્સી મહેનત અને જહેમત જરૂરી બની જાય છે. જનાબ હસ્તીમલ હસ્તી આ શેરમાં કહે છે તેમ…

ગાંઠ અગર લગ જાએ તો ફિર રિશ્તે હો યા ડોર

લાખ કરે કોશિશ, ખુલને મે વક્ત તો લગતા હૈ

અને આ ગાંઠ વળવાનું પ્રાય: એક જ કારણ હોય છે—આપણે ગુણ છોડીને ગણતરી કરવા માંડીએ છીએ. વારેવારે ત્રિરાશી માંડી આપણે કહેતા હોઈએ—મારે કેટલા ટકા? જ્યાં આવી ટકાવારી નીકળતી થાય છે ત્યાં સંબંધોનું ટકાઉપણું લગભગ નહિવત્  થાય છે ! મોરારિબાપુએ એકવાર કથામાં કહેલું કે આપણને કાયમ લાભમાં રસ હોય છે, શુભમાં નહિ ! કેટલી સાચી વાત! લાભપાંચમ દરવર્ષે આવે છે પણ શુભની પાંચમ, છઠ્ઠ, સાતમ…કદી બનતાં જ નથી. લાભત્વ જો શુભત્વ કરતાં સહેજ પણ ઓછું લાગે તો બાળપણમાં પ્રાથમિક શાળામાં નિર્દોષતાથી ગાયેલી આ પ્રાર્થનામાં ‘શુભ’ ને બદલે ‘લાભ’ મૂકી ગાઈ જુઓ…

 

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે

શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે

લાભ સીમિત છે જ્યારે શુભ તત્ત્વમાં વ્યાપકતા છે. આપણા પંચાંગમાં પણ લાભ સમયે વ્યાપાર શરૂ થાય છે અને શુભ સમયે યજ્ઞકર્મ !

લાભ જરૂરી છે જ, પણ જ્યારે આ લાભ માત્ર મારો કે અમારો બની રહે છે ત્યારે માણસાઈને મોરપીંછ ચડી જાયછે અને આ લાભ જ શુભ બનીને સર્વત્ર સંચરતો થઈ જાય છે. લાભ માત્ર પાંચમ સુધી પહોંચી હાંફી જાય છે, શુભ તો અમસને પણ પૂનમનું અજવાળું આપવા સમર્થ છે !

ચાર્જિંગ પોઈન્ટ:

બસ એટલી સમજ મને પરવરદિગાર દે

સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાનાં વિચાર દે

–મરીઝ

——————————————–

 

ભજ ગોવિંદમ્/શંકરાચાર્ય

આસ્વાદ અને અર્થઘટન:સુરેશ દલાલ/ઈમેજ પબ્લિકેશન્સ

શ્લોક: 8

પાના: 55 થી 59

દીવાલ પર અરીસો

     કા તે કાન્તા  કસ્તે પુત્ર:

           સંસારોડયમતીવ વિચિત્ર:

     કસ્ય ત્વં ક: કુત આયાત–

           સ્તત્ત્વં ચિન્તય તદિહ ભ્રાત: …8…

કોણ તારી પત્ની? કોણ તારો પુત્ર? સંસાર આ વિચિત્ર.

તું કોનો? ને ક્યાંથી આવ્યો? આ તત્ત્વ સિવાય બીજાનો

વિચાર ન કરાય ભાઈ. માત્ર સત્યનો જ વિચાર કર અને ગોવિંદને ભજ…8…

     શંકરાચાર્ય  વૃક્ષની કે પાંદડાંની કે વૈભવની વાત નથી કરતા, પણ માણસને મૂળ વિશે વિચારવાનું કહે છે. મોટે ભાગે માણસ ભ્રમની સૃષ્ટિમાં મહાલતો હોય છે. એ માને છે કે મારી આસપાસનાં બધાં જ મારાં છે. મને સાથ આપનારાં છે. બધું કરશે પણ મને કદી નહીં છોડે કે કદી નહીં તરછોડે. અંતે તો એવું પુરવાર થાય છે કે બધાં જ સ્વાર્થનાં સગાં હોય છે. બધે જ છળકપટ અને દગો હોય છે. શંકરાચાર્યના મનમાં આપણને ભ્રમની સૃષ્ટિમાંથી કઈ રીતે છોડાવવા, એની જ વાત વસી છે. આપણે આપણી આસપાસ જે જગત રચ્યું છે કે આપમેળે રચાયું છે, એના જો પડેપડ ઊખેડી નાખીએ તો જાણવા મળશે કે આપણે જેને જગત તરીકે બિરદાવીએ છીએ એ કાયાજગત છે. માયાજગત છે અને છાયાજગત છે. કાગળ પર ચીતરેલ વૃક્ષ જેવા સંબંધો ક્યારેય છાયા આપતા નથી. આપણને કહેવતા સંબંધોનું જૂઠ એટલી હદે સદી ગયું છે કે આપણે સત્યથી અજાણ્યા જ છીએ. શંકરાચાર્ય યથાર્થનું દર્શન કરાવે છે. આપણામં વૈરાગ્યની વાતને દૃઢ કરવાનો એમનો પુરુષાર્થ છે.

          વાત ગમે એટલી સાચી હોય, છતાં પણ પૂર્ણ આદર સાથે શંકરાચાર્યની તમામ વાત સાથે સંમત થવા જેવું નથી. ઘણી વાર અતિશયોક્તિને કારણે પણ મૂળ સત્ય સરી જતું હોય છે. જે સ્તર પરથી શંકરાચાર્ય વાત કરે છે એ સ્તરને એક વાર સ્વીકારીએ તોપણ સામો પ્રશ્ન રહે જ છે. પતિ હોય કે પત્ની હોય કે પુત્ર હોય કે ભાઈ હોય—આ બધાં અચાનક ભવસાગરમાં ભેળાં થઈ જતાં કાષ્ઠ જેવાં છે. એનો આધાર લઈને નિરાધાર ન થવાય એ સત્ય છે.

     પણ સંબંધનું પણ ક્યારેક સવાયું સત્ય હોય છે. ભલે આપણાં સંતાનો ભવિષ્યમાં કદાચ આપણાં ન પણ થાય, પણ એને ઉછેરવાનો આનંદ ઓછો નથી. સનાતન ભલે ન હોય પણ જીવનમાં જે કોઈ આત્મીયતા મળી છે, એનું સૌંદર્ય પણ ઓછું નથી. વૃક્ષને એક વાર પાનખર આવી ગઈ અને એને મોસમનો વસમો પરિચય થાય પછી આવનારી વસંતને વૃક્ષ કદી કાઢી મૂકે ખરું? એનાં પર્ણ ખર્યાં તો નવી કૂંપળ ફૂટી. ડાળ પર કોઈ પંખી ક્યારેય કાયમને માટે બેસી રહેતું નથી. એના ટહુકામાં સવારનો જે તરવરતો તડકો હોય છે, એની આભાને લૂછી નાખવાનો કોઈ અર્થ ખરો? કોઈ કહેશે કે વસંતમાં વૃક્ષનો પુનર્જન્મ  થયો અને ફરી પાછા આ જનમમરણના લાખ ચકરાવા શરૂ થયા અને શંકરાચાર્યનો હેતુ તો આપણને એ ચકરાવામાંથી મુક્તિ અપાવવાનો છે.

     શંકરાચાર્ય ભલે ભક્તિની વાત કરે, પણ એમનામાં રહેલું જ્ઞાન, એમનામાં રહેલી પ્રજ્ઞાથી એ મુક્ત થતા નથી. જો વલ્લભાચાર્ય અંપ્રદાયના કોઈક કવિએ અ સ્તોત્ર લખ્યું હોત તો આમાં આટલી બધી કોરાશ ન હોત. ભક્તિ તો પ્રવાહિત છે. એમાં ભીનાશ હોય. એમાં આદ્રતા હોય. અહીં તો જ્ઞાનના પ્રખર સૂર્યનો તાપ છે. જીવનથી આટલી હદે આપણાથી ઉફરા ચલાય નહીં. જેટલી હદે વગોવાયું છે એટલું જીવન નિરસ નથી. કદાચ વિચિત્ર હશે, પણ વિષમ નથી. માળીને ખબર છે કે પોતે ઉગાડેલું ફૂલ છેવટે તો ખરી પડવાનું જ છે. તોપણ એ બગીચાને કુહાડાથી કાપી નથી નાખતો. બીજમાંથી ફૂલ ઊગે છે અને ખરતાં પહેલાં કાંટાઓની વચ્ચે રહીને પણ પોતાની સુવાસ અને પોતાનું સૌંદર્ય પાથરે છે એ શું ધન્ય ઘટના નથી? કોઈ જ આપણું નથી એમ જ્યારે કહીએ છીએ ત્યારે આપણે પણ એટલા કોઈના નથી, એ વાત ભૂલાવી ન જોઈએ. વૈકુંઠની ચિંતામાં વ્રજનો આનંદ શુ કામ જતો કરવો જોઈએ? શંકરાચાર્યની વાત સાથે એક જ રીતે સહમત થવાય કે બધા મનુષ્યના સંબંધો છેવટે તો need based અથવા greed based છે .એટલે કે ઉપયોગી ને કામચલાઉ છે; તો આ અને આવા બધા માણસોની પાછળ માધવ છુપાયો છે એના પર જો સૂક્ષ્મ દૃષ્ટિ ફેરવીએ તો સ્થૂળ સંબંધો આપોઆપ ઓસરી જશે અને ગોવિંદનું ભજન જ આપણને તારશે. ક્યારેક તો આ સ્તોત્રની સામે આવુ6 ગીત ધરવાનું મન થાય:

     આ જનમમરણના ચક્કરમાંથી છૂટીને

     લૂંટાય એટલો આનંદ અહીંયાં લૂંટોને

      ગઈ કાલ પર મૂકો ચોકડી

                     આવતી કાલ પર છેકો

 આ ક્ષણમં તો ફૂલ થઈને

                     વૃક્ષ જેટલું મ્હેકો

પંખીના ટહુકા વચ્ચેનું મૌન મનોમન ઘૂંટોને

આ જનમમરણના ચક્કરમાંથી છૂટીને

     વ્રજ—વૈકુંઠના ભેદની અમને

           પડી નથી રે કાંઈ

     અમે ચાલીએ: રસ્તો ચાલે:

           સૂતાં ત્યાં જ તળાઈ

મનમાં તો મશગુલ એટલા: કાંઈ કશું નહીં પૂછોને

લૂંટાય  એટલો  આનંદ  અહીંયાં  લૂંટોને.

તત્ત્વજ્ઞાનની કોરી દિવાલ પર આ અરીસામાંથી પણ સંસાર વિનાના સંસારનું પ્રતિબિંબ જોવા જેવું છે.

——————————————————————————-

 

ભાદરવા સુદ એકમ,2063 ને બુધવાર, 12સપ્ટેમ્બર 2007

પાંપણનો તકાજો***મકરંદ દવે
પાંપણનો તકાજો છે, પગલાંની થકાવટ છે, પર્વતના પ્રવાસીને, ઉંબરની રુકાવટ છે.
સુમસામ સદીઓથી છે ઘરની એ જ હાલત, તો કોણ અહીં આવ્યું? આ કોની તે આહટ છે?
એ આવશે અચાનક, ને આવશે ઘડીપળ, પલકોંની મજા ખાતર, સદીઓની સજાવટ છે.
નફરતની નજર માટે મેં માગી આ દુવાઇ, નાપાક છે ન દુનિયા, ના કોઇ નપાવાટ છે.
મારો પુકાર એક જ, સોગાદ તારી સો સો,
હે રામ, કેવી હાજર, પ્રેમીની રખાવટ છે!
મારી તમારી વચ્ચે બસ એક છે તફાવત, નાદાન હું રહ્યો ને તમને બધી ફાવટ છે.
યારો, હવે જવા દો, દાટી દો દુશ્મનીને બે શ્વાસની છે બાજી, ને પળની પતાવટ છે.

અલ્લક દલ્લક***બાલમુકુંદ દવે
અલ્લક દલ્લક, ઝાંઝર ઝલ્લક, રઢિયાળો જમનાનો મલ્લક, એથી સુંદર રાધા ગોરી, મુખડું ઝળકે ઝલ્લક ઝલ્લક !
આભે પૂનમ ચાંદ ઊગ્યો છે,
રાસ ચગ્યો છે છમ્મક છમ્મક ! ગોપી ભેળો કાન ઘૂસ્યો છે, ઢોલક વાગે ઢમ્મક ઢમ્મક !
રાધિકાનો હાર તૂટે છે, મોતી ચળકે ચલ્લક ચલ્લક ! બધાં જડ્યાં પણ એક ખૂટે છે, રુએ રાધિકા છલ્લક છલ્લક !

લીધું હોય તો આલને કાના ! મોતી મારું ચલ્લક ચલ્લક ! તારાં ચરિતર છે ક્યાં છાનાં ? જાણે આખો મલ્લક મલ્લક !
કાને ત્યાંથી દોટ મૂકી છે, રીસ ચડી ગોપીજનવલ્લભ, કદંબછાયા ખૂબ ઝૂકી છે, બંસી છેડે અલ્લપ ઝલ્લપ !

રાધા દોડે ચિત્ત અધીરે, રાસ રહ્યો છે અલ્લક દલ્લક! સૂર વણાયે ધીરે ધીરે !
ઉર તણાયે પલ્લક પલ્લક !

અલ્લક દલ્લક ઝાંઝર ઝલ્લક: રઢિયાળો જમનાનો મલ્લક, એથી સુંદર રાધા ગોરી, મુખડું ઝળકે ઝલ્લક ઝલ્લક !

શ્રાવણ વદ અમાસ 2063 ને મંગળવાર,11 સપ્ટેમ્બર2007

ગીતામ્રુતમ—(બે)
અધ્યાય બીજો શ્લોક 62 થી 66 વિષયોનું રહે ધ્યાન તેમાં આસક્તિ ઉપજે, જન્મે આસક્તિથી કામ,કામથી ક્રોધ નીપજે…..62 વિષયોનું ચિંતવન કરનાર પુરુષના મનમાં તેમને વિષે આસક્તિ ઉત્પન્ન થાયછે.આસક્તિથી કામના થાય છે અને કામનામાંથી ક્રોધ ઉત્પન્ન થાયછે……62
ક્રોધથી મૂઢતા આવે,મૂઢતા સ્મ્રુત્તિને હરે; સ્મ્રુત્તિ લોપે બુદ્ધિનાશ, બુદ્ધિનાશે વિનાશ છે…….63 ક્રોધમાં થીમૂઢતા પેદા થાયછે,મૂઢતામાઁથી ભાન ભૂલાય છે. ને ભાન જવાથી જ્ઞાનનો નાશ થાયછે અને જેના જ્ઞાનનો નાશ થયો તે જાતે જ નાશ પામેછે (તેની સર્વે પ્રકારે અધોગતિ થાયછે.)…..63

રાગને દ્વેષ છૂટેલી ઇન્દ્રિયે વિષયો ગ્રહે વશેન્દ્રિય સ્થિરાત્માજે,તે પામેછે પ્રસન્નતા. 64
પણ જેનું મન પોતાના કાબૂમાં છે અને જે રાગદ્વેષરહિત એવી તથા પોતાને વશ વર્તનારી ઇન્દ્રિયોથી (ઘટતા) વિષયોનું ગ્રહણ કરેછે તે પુરુષ ચિત્તની પ્રસન્નતા મેળવે છે..64
પામ્યે પ્રસન્નતા તેનાં દુઃખો સૌ નાશ પામતાઁ; પામ્યો પ્રસન્નતા તેની બુદ્ધિ શીઘ્ર બને સ્થિર…65
ચિત્તની પ્રસન્નતાથી એનાં બધાં દુઃખો ટળેછે અને પ્રસન્નતા પામેલાની બુદ્ધિ તરત જ સ્થિર થાયછે. 65

શ્રાવણ વદ તેરસ 2063 ને સોમવાર તા.10/09/2007

હરિ કીર્તનની હેલી***વેણીભાઇ પુરોહિત
હરિ કીર્તનની હેલી રે મનવા ! હરિ કીર્તનની હેલી.
ધ્યાન ભજનની અરસ પરસમાં લાગી હો તાલાવેલી, ધામધૂમ નર્તન અર્ચનની સતત ધૂમ મચેલી રે મનવા….હરિ….
મારા જીવનના ઉપવનમાં વિવિધ પુષ્પિત વેલી મારે મનતો હરિ છે ચંપો ને હરિનું નામ ચમેલી રે મનવા….હરિ…
નયણામાંથી અગણિત ધારા નભમાં જઇ વરસેલી કેવી અકળ અલૌકિક લીલા, કોઇએ નથી ઉકેલી રે મનવા…હરિ….

શનિવાર, 8 સપ્ટેમ્બર2007ને શ્રાવણ વદ બારસ,2063

કિનારે જવું નથી***નિનુ મજુમદાર***1963
જ્યાં જાય છે આ કાફલો મારે જવું નથી, પાછી લઇ લે નાવ કિનારે જવું નથી.
આરામથી થવાદે સફર જિંદગી મહીં, આવેછે મોત તેડવા એને જવું નથી.
જીવન બચાવતા હવે થાક્યો છું નાખુદા ! મઝધાર ચાલ! કિનારે કિનારે જવું નથી.

સામે તું થા, હું જાણું છું જગના તુફાનને, વહેતી જતી હવાને સહારે જવું નથી.
મહેફિલ તો પૂરી થઇગઇ, પરવાના રહી ગયા, સૂતા શમાની પાસ, સવારે જવું નથી.
મંઝિલ મળે પછી ય મારે કરવું કંઇ નથી, તો હાલ તુજ ગલીથી વધારે જવું નથી.
રાખી છે વાસના, હે ‘નિરંજન’ શું નામની? મારે જવું છે ત્યારે તમારે જવું નથી.

કાનજી ને કહેજો કે***જયંત પાઠક***સમર્પણ 05/01/1963
કાનજીને કહેજો કે આવશું, બળ્યા ઝળ્યા અમે બોલીએ તેમાં
વાંકું શું પાડવું તમારે! કુંજોમાં ઘૂમનારા ક્યાંથી જાણો તમે માથે શું વીતે અમારે? પળની ન મળે નવરાશું…. કાનજી ને…. મનનો મારગ એક, તનનો દૂજેરો, લાજમહીં અટવાતી આંખો, સંસારી, કેડીઓમાં આંકેલી ચાલીએ શમણામાં વીંઝીએ પાંખો ! જીવતરની વેચીએ છાશું…કાનજી ને…
મ્હેણાંના માર અહીં, ઘરના વહેવાર ને
તમ્મારી રીસ વળી તાતી,
હરતાં ફરતાં હાથ રાખી સંભાળીએ ભારથી ન ભાંગી પડે છાતી, આખી રહેશે તો લેતા આવશું…કાનજીને..

દુષ્ટજન તો (નરસિંહ મહેતાના “વૈષ્ણવ જન તો તેને કહીએ “પરથી પેરોડી)

દુષ્ટજન તો તેને કહીએ જે પીડ પરાઇ માણે રે, પરદુઃખે અપકાર કરે ને સદાનો વળી અભિમાની રે. સકળ લોકમાં સૌને નિંદે ને સ્તુતિ ન કરે કોઇની રે, વાચ કાછ મન સદા મલિન જ રાખે,કરમ ફૂટી જેની જનની રે.
કૂદ્ર્ષ્ટિને ત્રૂષ્ણા ભોગી, પરસ્ત્રી જેને નવ માત રે. જિહ્વા થકી કદી સત્ય ના બોલે,પરધન હાથથી નવ છોડે રે.
મોહ માયામાં ડૂબેલો રહેવે,વૈરાગ્ય ના મળે જેના મનમાં રે. રામનામ કદીયે ના લેવે, સકળ તીરથથી સદા છેટો રે. પૂરો લોભી ને કપટ સહિત છે, કામક્રોધ સદાના સંગી રે, ભણે ભગત તેનું દરસન કરતાં કૂળ ઇકોતેર ડૂબ્યા રે