A.A./02

અખંડ આનંદ /ફેબ્રુઆરી,2020

જુદી રીતે વિચારો

બારી ખુલી. મમ્મી અને દીકરો બંને એકસાથે બારી પાસે આવ્યાં. મમ્મી અકળાઈને બોલી ઊઠી, ‘બેટા, જો તો ખરો, રસ્તા પર કેટલો બધો કાદવ થઈ ગયો છે ?’

એ જ સમયે બાબો પ્રસન્નતાથી બોલી ઊઠ્યો, ‘મમ્મી, ઉપર જો તો ખરી, આકાશમાં મેઘધનુષ્ય કેવું સુંદર રચાયું છે ?’

બારી ખુલવાની ઘટના એક જ પરંતુ મમ્મીનું અર્થઘટન જુદું, બાબાનું અર્થઘટન જુદું. અવળા અર્થઘટનને કારણે મમ્મી ઉદ્વિગ્ન, સવળા અર્થઘટનને કારણે બાબો પ્રસન્ન. આપણા ઉદ્વિગ્નતા કે પ્રસન્નતા ઘટના સાથે બંધાયેલ નથી પરંતુ એ ઘટનાનું આપણે કેવું અર્થઘટન કરીએ છીએ તેની સાથે જોડાયેલી છે.

બગીચામાં છોડ પર કાંટાઓ વચ્ચે ઊગેલા ગુલાબને બે જણાએ જોયું. જેનું મન હકારાત્મક હતું એણેબીજાનેકહ્યું કે  ‘ગુલાબને ધન્યવાદ આપવા પડે કારણ કે આસપાસ પચાસ કાંટા હોવા છતાં પોતે પ્રસન્નતામાં છે.’ બીજાએ નકારાત્મક મનને કારણે કહ્યું કે ‘ગુલાબ ભલે સુગંધીદાર હશે, સૌંદર્યવાન હશે પણ એનું કરવાનું શું ? એ તો પોતાની આસપાસ પચાસ-પચાસ કાંટાઓ લઈને બેઠું છે.’

કોઈપણ હકીકતની બીજાને જાણકારી આપતાં પહેલાં તમારું મન વિકૃત હશે તો સાચી અને સારી પણ હકીકતની જાણકારી વિકૃતરૂપે આપશો. પણ તમારું મન સમ્યક હશે તો નબળી હકીકતની જાણકારી એના મનમાં કોઈ વિકૃતિ પેદાકરનારી નહીં જ બને

સંકલન: ડૉ.કૃષ્ણકાન્ત શાહ, સી-14, નારાયણ એસ્ટેટ, શક્તિનાથ મહાદેવ પાસે, ભરુચ-392 001

********************************************