સિસ્ટર  એલિઝાબેથ ડેની એક પ્રસિદ્ધ એવાં ઑસ્ટ્રેલિયન નર્સ હતાં. રાત-દિવસ દર્દીઓની સેવા  કરવી તેને  જ તેમણે પોતાનો જીવનધર્મ માન્યો હતો.

  એક વાર એક મિત્રે તેમને પૂછ્યું, ‘રાત-દિવસ તમે દર્દીઓની સેવામાં રહેતાં હોવા છતાં તમે તમારા મનની શાંતિ અને પ્રસન્નતા કઈ રીતે જાળવી શકો છો? ક્યારે પણ તમે ઉદાસ અથવા ગુસ્સે થયેલા જોવામાંઆવ્યા નથી.’

    ડેનીનો ઉત્તર કાન દઈને સાંભળવા જેવો છે. ‘બચપણમાં હું ખૂબ ક્રોધી હતી. એક વાર એક નાની અમથી વાતમાં હદ બહારનો ક્રોધ મારાથી થઈ ગયો. ત્યારે મારી માતાએ –શાણી વાંધા-વિરોધની વાત વચ્ચે પણ શાંત રહી તમે ગુસ્સો થૂંકી  નાખોછો ત્યારે સામેવાળો પોતાનાં હથિયાર હેઠાં મૂકી દે છે.એક સીધું-સાદું સત્ય કહું ? જે સ્મિત કરે છે તે અંતમાં જીત મેળવે છે, સ્મિત કરતા રહો અને જીત મેળવતા રહો.

જિતેંદ્ર શાહ,શિવમ એંક્લેવ, (સારાભાઈ) ટેમ્પલ સ્ટ્ર્રીટ પાસે,સુદામા નગર,ગોત્રી રોડ,વડોદરા 390021

મો.:9925835523

દેવી! આવોને મારી દેરીએ

 ઓઢી અષાઢનાં આભલાં

    જંપી જગની જંજાળ,

જાગે એકલ મોરી ઝંખના

   મધરાતને કાળ,

દેવી !આવોને મારી દેરીએ

કાળી નિશા કેવળ કમકમે

નથી કંપતા વાય,

પગલાં  તમારાં પોકારતી

પાંપણ ઊઘડે બિડાય,

દેવી ! આવોને મારીદેરીએ.

પ્રેમે પખાળું પાવન પાવલાં

રેલી નયણાંની ધાર,

સમાધિનાં છે સિંહાસનો

મેલ્યાં મંથન થાળ.

દેવી !આવોને મારી દેરીએ.

વાધી-વાધીને વેદન વલવલે,

ઊંડે કંઠમાંઆગ,

રમતાં આવો હો ઋતંભરા !

મોરી રટણાને રાગ,

દેવી ! આવોને મારી દેરીએ.

કલ્પનાનો છૂટો કનકવો

ઢૂંઢે વ્યોમની કોર,

આવો અંબા ! એને બાંધવા

દિવ્ય દૃષ્ટિના દોર.

દેવી !આવોને મારી દેરીએ.

ધૂણી ધખે મારા ધૈર્યની

જલતું જીવન કાષ્ઠ,

આભની પારનાં આભલાં

જોવા આપો પ્રકાશ

દેવી !આવોને મારી દેરીએ

પોકારતી કોટિ કેશથી,

બળતા ધરતીના બાગ,

કલ્યાણી, આવો કેડી બની,

ઝૂરતા ઝર નઆને માર્ગ

દેવી !આવોને મારી દેરીએ

==રમણિક અરાલવાળા

6-9-1910- 24-4-1981

               શ્રીકૃષ્ણાય નમ:

      શ્રીમદ ભાગવતનો સંક્ષિપ્ત પાઠ

વેદ વાણી, મન જાણી. શ્રી હરિવલ્લભ વિઠ્ઠલા,

ચાર વેદનો અર્થ કહું, શ્રીભાગવત અમૃતકથા.

ભગવાને શ્રી બ્રહ્માને કહ્યું. નારદજીએ તે સાંભળ્યું,

ધન્ય શુકદેવ, ધન્ય પરીક્ષિત જેને મુખે અમૃત ઝરે,

શ્રીભાગવત પૂરે આશ, કોટિ જન્મનાં પાતક હરે.

શ્રી વ્યાસ વલ્લ્ભે કહી આ પુણ્ય કથા પ્રમાણ,

તે આજે હું તુજને કહું, વિચારી જુગતે જાણ.

શમીક ઋષિ બેઠા વનની છાંય, વાળી પલાંઠી ધ્યાન ધરાય

મૃગયા રમવા ગયા પરીક્ષિત રાય, કળિયુગ આવી લાગ્યો તેને પાય.

મને રહેવા આપો પ્રભુ  ઠામ,એટલું કરો સેવકનું કામ,

કનક, ધૃત મદ્ય ને હિંસા સ્થાન, તારે રહેવું જઈ એ ઠામ.

એટલે મુગટમાં કીધો પ્રવેશ, ફરી બુદ્ધિ પરીક્ષિત નરેશ.

ઋષિ સમાધિમાં ન દીધાં માન, રાજા સમજ્યો એનું અપમાન.

ડોકે નાંખ્યો એક મરેલો સાપ, દીઠો શ્રૃંગી પુત્રે સાપ.

જેણે દુભવ્યા મારા તાત, તન સાતન દિન પ્રભાત.

ડંસ મારશે તક્ષક નાગ, પ્રાણ એ નિશ્ચય કરશે ત્યાગ.

સુણી પુત્રને તાત કહે વાત, કેમ દીધો રાયને  તેં શાપ ?

જેણે  દુભવ્યા મારા તાત, તન સાતન દિન પ્રભાત.

સાતમે  દિને ગુમાવે પ્રાણ, કરો રાયને વાત એ જાણ.

આજ્ઞા લઈને તે શિષ્યો જાય, આવીને ઊભા સભામાંય.

રાયે આવતા દીઠા ઋષિરાય,આપી આસન બેસાડ્યા ત્યાંય.

કીધાં સ્વાગત દીધાં માન, પૂછ્યાં ક્ષેમકુશળ ને કામ.

મનુષ્ય મન છે દોહ્યલું, ન આણશો રીસ નૃપ,

આજથી સાતમે દિન, ડંસશે તક્ષક નાગ અચૂક,

તોય રાજાને ચડી ન રીસ, એણે શાપ ચડાવ્યો  શિશ

અર્ઘ્યપાત્ર લઈ કીધું પૂજન, સંતોષીને વળાવ્યા ઋષિજન.

પછી રાયે તેડ્યા વિપ્ર અપાર, દાન દીધાં વિવિધ પ્રકાર.

મોતી  માણેક હીરા-સાર મણિ રત્ન મોંઘા ભંડાર

જન્મેજયને સોંપ્યું રાજ, મંત્રીને સમજાવ્યાં કાજ,

રાજા પધાર્યા ગંગાને તીર, જેનાં પવિત્ર નિર્મળ નીર,

ભવ્ય ભાગીરથીને તીર, બેઠા આસન વાળી વીર

રાજા કહે શુકદેવજી મહારાજ, મને હરિક્થાની કહો વાત.

શુભ મારગ મુજને દેખાડો, જેથી મળે વૈકુંઠરાય.        એટલે શુકદેવજી બોલિયા તમે સાંભળો રાજન

ડંશ મારશે તક્ષક નાગ, પ્રાણ એ નિશ્ચય કરશે ત્યાગ.

સુણી પુત્રને તાત કહે વાત, કેમ દીધો રાયને તેં શ્રાપ ?

સંભળાવું છું ભાગવત કથા,જો હોય તમારું મન.

નિશ્ચય   તમારું   કરો    દેહનું    કલ્યાણ

અન્ન-ઉદક પરહરો, ધરો હરિનું ધ્યાન

બ્રહ્માએ  હરિની સ્તુતિ  કરી,  પૃથ્વી   ગાય રૂપે અવતરી

સારંગધરને મન ચિંતા થઈ,  દેવનું કારજ કરવું સહી.

દેવલોકની  સેવા સંભાળ, અવતર્યા પોતે થઈ ગોવાળ

કંસ  ભગિની દેવકી સાથ, થયો વસુદેવનો  વિવાહ.

આપ્યા હાથી  ઘોડા ખૂબ, ઉત્સવ ઉજવાયો દિન શુભ

બહેનને વળાવવા બંધુ જાય એટલે આકાશવાણી થાય.

કંસ ખૂટ્યો છે તારો કાળ, તને મારશે બહેનીનો બાળ,

તારી બેન દેવકીનો વંશ, આઠમો તને મારશે કંસ.

કંસ રથેથી નીચે ઊતર્યો, અને ખડગ લીધું હાથ,

દેવકીનો સાહ્યો ચોટલો, કરવા મહા  ઉત્પાત.

વસુદેવ કંસને વિનવે, મહારાજ સાંભળો મારી વાત.

લખ્યા લેખ તે નહીં મટે, તમે શીદ કરો  ઉચાટ.

બહુ બહુ પ્રકારે  વિનવ્યા, પણ કહ્યું ન માને કંસ,

ત્યારે  વસુદેવે વચન આપ્યું, તેને સોંપવા નિજ વંશ.

બેડી  જડી બેઉને  નાખ્યા   કારાગૃહ   મોજાર,

કર્મ તણાં ફળ ભોગવો, કરો ભાવિનો વિચાર.

કંસે મન વિચારિયું, શીદ કરું  આનો નાશ.

સંતાન સાત શત્રુ નથી, છે આઠમો મુજ કાળ

તો સાતને છોડી દઈ, હણીશ આથમો મુજ કાળ

પણ નારદે કંસને કહ્યું, તું ભૂલે બાવિનિર્માણ

છપ્પન   કોટિ યાદવ બધા, છે શત્રુ તારા જાણ.

વચન સૂણી નારદ તણાં, કંસે કર્યો નિરધાર,

એક પછી એક મારિયા, વસુદેવ કેરાં બાળ.

સાત બાળ માર્યા બંધુએ , પડી આઠમાની ફાળ

શ્રાવણ  માસની અષ્ટમીની,  આવી એ  મધરાત

દેવકીને દર્શન થયાં, શ્રીકૃષ્ણનાં સાક્ષાત

પાયે પદ્મ સોહામણાં, મુખ તેજનો ઝળકાટ,

રમણીય રૂપ દેવીએ, શોભે અજબ વૈકુંઠનાથ.

શ્રી  બાલકૃષ્ણ બોલિયા, તમે સાંભળો  મા વાત,

તમ દુ:ખ કરવા દૂર આજે, અવતર્યા મધરાત.

ગોકુળ અમને લઈ જાવ, શ્રીનંદરાયને ઘેર,

શ્રી જશોદાને પુત્રી અવતરી, મુજ સાથ કરો હેરફેર.

મને ત્યાં પડતો મૂકી, પુત્રી લાવો તાત,

કંસ મામાને કહેજો કે જનમી છે પુત્રી જાત,

વસુદેવ બોલિયા કેમ કઠણ થાયે કાજ,

બંધન અમારાં ક્યમ ખૂલે,પહોંચાય કેમ કરી આજ ?

બહાર દરવાજે ઊભા, ચોકી કરે ચોકીદાર,

અંધારી રાતેકેમ ઊઘડે, ભોગળ વાસ્યાં દ્વાર.

એટલે શ્રીકૃષ્ણે કૌતુક કર્યું, તૂટ્યા  બેડીના બંધ,

દ્વારપાળ લાગ્યા ઘોરવા, થાય છતી આંખે અંધ.

કરંડિયામાં સુવાડ્યા કૃષ્ણને, વસુદેવે મૂક્યા શિર,

ઝરમર વરસે મેહુલો, ને વીજ ચમકે ગંભીર.

શ્રી યમુનામાએ માર્ગ દીધો, થાય તરત બે ભાગ.

વસુદેવ ચાલ્યા હરખથી, સરિતાએ દીધો માર્ગ,

નાગે છત્ર કીધાં, ફેણે દીધાં ઓછાર,

રખે ફોરાં લાગશે, જન્મ્યા શ્રી જગદાધાર

વસુદેવ ગોકુળ પહોંચિયા, ને બદલી લીધાં બાળ

કન્યાને લઈ પાછા ફર્યા, પછી જાગ્યા રખેવાળ.

કારાગૃહે  બાળા રડી, ગભરાયા ચોકીદાર,

સંતાન પ્રસવ્યું દેવકીને  એમ કહ્યા સમાચાર,

કંસ આવ્યો દોડતો  એને પડી પેટે ફાળ,

એ આઠમું સંતાન, નિશ્ચે  લાવશે નિજ કાળ.

જ્યાં બાળ લીધું ઝૂંટવી, દેખી વિમાસણ થાય

આ કન્યાથી મોત, મારું નિપજવાય ?

પણ પકડીને અફાળ્યો દેહ, પાપીના દિલમાં નહિ સ્નેહ,

વીજળી  થઈ આકાશે ગઈ, જતાં જતાં એ કહેતી ગઈ

મને મારી શું હરખાય ? તારો કાળ જીવે છે રાય,

ગોકુળ ગામે ઊછરે બાળ, કંસ ! થશે એ તારો કાળ !

સાંભળી બેનને લાગ્યો પાય, મેં તુજને કીધો અન્યાય,

બેનનાં બાળક માર્યા સાત, એ મારે માટે અપરાધ,

કારાગૃહથી છૂટા કર્યા, દુ:ખડાં બન્નેનાં સહુ હર્યા.

પછી વિચારે છે એકાંત, ચિત્ત બન્યું એનું અશાંત,

પોતાનો જીવે છે કાળ, એને હૈયે પડી ફાળ,

કેશી દૈત્ય કહે, ન કરો ખેદ, આણી આપીશ એનો ભેદ,

કહો પૂતના રાક્ષસીને જાય, કરે ગોકુળમાં બાળહત્યાય.

તોરણ બંધાયા નંદને દ્વાર, ભજનકીર્તન ને સોળે શણગાર,

જન્મ્યો જશોદાને બાળકુમાર, નંદરાયને હરખ અપાર.

ગોપીઓ સૌ ટોળે મળી, જુવે કુંવરનું મુખ વળી વળી,

ગોવાળો આવે ઉતાવળા શ્રીકૃષ્ણ વેણુ વાય,

ખેલે,  કૂદે, ગાયો ચરાવે, ગીત ગોપી ગાય.

ગોપીઓ આવે મલકતી, હૈયે અનેરો સ્નેહ,

દહીંદૂધનાં છાંટ્યાં છાંટણાં, છંટાય સારો દેહ.

  મહીની મટુકી શિર ધરી, ગોપીઓ ચાલી જાય,

રોકે કનૈયો વાટમાં, પછી દાણલીલા થાય.

રંગે રમે સૌ રાસલીલા, કાન બંસી બજાય,

ઘરકામ સૌ પડતાં મૂકી, રાધા ને ગોપી ધાય,

ગોકુળના ગોવાળ સૌ, મથુરામાં મહિ ભરી જાય,

કંસરાજાની રાણીઓ   એ દૂધગંગે ન્હાય.

નંદ આવી વસુદેવને મળ્યા, આંખો તણાં આંસુ ઢળ્યાં

ક્ષેમકુશળની પૂછી વાત, કંસે માર્યા બાળ સાત.

છાનાં મૃગલી ડગલં ભરે, જળ માંહી જેમ મીન જ ભળે

પૂતના માશી ચાલ્યા પ્રભાત, ગોકુળના બાળકોની કરવા ઘાત ?

હૈયું હળાહળ ઝેરે ભરી, ધવડવવા કૃષ્ણને બેઠાં ફરી,

શોષ્યા પ્રાણ તે શબ થઈ પડી, શકટાસુર  ત્યાં આવ્યો ચડી.

કૃષ્ણ સૂતા’તા ઝોળી માંય, પાટુ મારી પૂરો કર્યો ત્યાંય.

એ રીતે શકટાસુર હણ્યો, ત્યાં મહિષાસુર બીજો ડર્યો.

આકાશે મચાવ્યો ઉત્પાત, ગોવિંદાએ કીધો ઘાત,

એમ અસુરો માર્યા અનેક, તો યે કંસે તજ્યો ન ટેક.

ગર્ગાચાર્ય આવ્યા ઘેર, નંદે માન દીધાં બહુ પેર.

દક્ષિણામાં દીધાં બહુ દાન, બાળભદ્ર, કૃષ્ણ પડાવ્યાં નામ.

ગોઠણીએ કાયા ઘસડાય, કાદવ ખરડ્યા માટી ખાય.

ક્ષણ ક્ષણમાં રૂપો બદલાય, મોટાં નાનાં ઘડી ઘડી થાય.

માના મન હરખે ભર્યા, ને મુખ દીઠાં વિકાસ,

ચૌદ ભુવન દેખાડિયાં, થયાં અચરજ ને ઉલ્લાસ.

ફરીથી માનો છેડો સાથ, માયાનો નહીં પાર મપાય,

રડવા માટે જીવ લલચાય, ચૂલે દૂધ ઉભરાયાં જાય.

ઉછરંગે સ્તનપાન કરાય, બોકી દઈ જશોદા હરખાય

ફોડે  ગોળી માખણ ખાય, દૂધ-દહીંની રેલ રેલાય

માખણિયાં નહીં ઢોળી પુત્ર, એના પર ચાલે ઘરસૂત્ર,

ડગમગતાં હરિ ડગલાં ભરે, ચૌદ લોકમાં એ સંચરે.

ગોપીથી ફરિયાદ કરાય, બાંધે દોર નહિ બંધાય,

જેમ જેમ બાંધવા કોશિશ થાય, તેમ તેમ દોરડી ટૂંકી થાય,

વિષ્ણુલોક બાંધ્યા નવ જાય, માયા પ્રભુની અજબ મનાય.

માની ઉપર કરૂણા કરી, જાણીજોઈ જાતે બંધાય,

હરિ દામોદર બાંધ્યા દામણે, કેશવ છાનાછપના રડે,

યમલાર્જુન બોલ્યા એમ, શ્રાપ નિવારણ કીધો કેમ ?

નંદજશોદા કરે ઉચાટ, ગોકુળમાં થઈ રહ્યો ઉત્પાત,

વૃંદાવન છે ઠામોઠામ આપણે જઈ કરીએ વિશ્રામ.

સકળ વેલ જોજડાવી કરી, રોહિણી-જશોદા બેઠાં મળી

માથે મુગટ ઝાકઝમાળ, કંઠે શોભે વૈજયંતિ માળ.

કનકની ગેડી કૃષ્ણને હાથ, ગાયો ચારવા જાય સંગાથ,

રઘુનાથ  આવ્યો પશુરૂપ , વચ્છાસુરનું લઈ સ્વરૂપ.

નાઠી ગાયો ને  બહાના ગોપ કૃષ્ણ માર્યા તેને ચોક.

અઘાસુર  આવ્યો અદ્ધર ચઢી, તૂટી પડ્યો ગર્જી કડકડી,

વજરદેહ મોઢું વિકરાળ, કૃષ્ણે આણ્યો તેનો કાળ.

ગોવાળોનો ભાગ્યો ભય, વૃંદાવન કીધું નિર્ભય,

કરવા ભક્તજનોનો ઉદ્ધાર, અવતર્યા એ શ્રીદેવમોરાર.

દાળ, દહીં, દૂધ, કરમદાં, આદુ, બીલી, ભાત,

યમુનાકાંઠે  હરિ  જમે,  ગોવાળોની સાથ.

જમી જમાડે ફરી જમે, શોભે વૈકુંઠનાથ,

બ્રહ્મા વાછરું હરી ગયા, એવી નિપજાવી સાર.

બ્રહ્માએ કૌતુક જોયું,  માટે સ્તુતિ કરી અપાર.

એ છે અકળ સ્વરૂપ, કોઈના કળ્યાં ન જાય,

એ છે મોટાં વિષ્ણુ, પાર ન એનો પમાય,

આ અપરાધ ક્ષમાકરજો, તમે છો દીનદયાળ,

મોહન બજાવે મોરલી, ગાયો ચારવા ગોવિંદ જાય,

આવ્યો ધેનુક, દૈત્યની જાત, કૃષ્ણે મારી એને લાત.

એ તો ઊડીને ઊછળે આકાશ, એના નીકળી ચૂક્યા શ્વાસ.

અજા, મહિષી ગૌરી સાહી, ગોવાળરૂપે આવ્યો પ્રલંબ ત્યાંહી,

મલ્લ મોટો એણે લીધો દાવ, બળદેવે કીધો મસ્તક ઘાવ.

છૂટ્યા પ્રાણ ને થયો ઘૂઘવાટ, ત્યારે કંસને થયો ઊચાટ,

કૃષ્ણ ગેડીદડા તે ખેલે. એક દાવ લે બીજો મેલે.

આવ્યો કૃષ્ણનો દાવ, માર્યો ફટકો કસીને લીધો લ્હાવ.

દડો ઊછળીને જળમાં ગયો, ગોવાળોને આનંદ થયો.

શરત પૂરી કરવા તૈયાર થાઓ, યમુનાજીમાં જઈને દડો લાવો.

કૃષ્ણ ચડ્યાં કદંબના ડાળ, મારી તે ઊંડા જળમાં ફાળ.

ગોપ વિસ્મિત થઈ જોઈ રહ્યા, કોઈએ ખબર જઈ નંદને કહ્યાં

યમુનાતીરે સૌ ભેગાં થાય, આંસુધારા આંખે ઉભરાય.

કૃષ્ણ સંચર્યા તે પાતાળ, સૂતો મણિધર વિષધર કાળ.

છંછેડીને સૂતો જગાડ્યો, અંગૂઠો તે મસ્તક લગાડ્યો.

નાગણીઓનું કહ્યું ન માન્યું, યુદ્ધ જાણીજોઈને આણ્યું.

ડસ્યો સર્પે થઈને અધીર, થયા કૃષ્ણજી શ્યામ શરીર.

કાળી નાગને કૃષ્ણે નાથ્યો, નાગણીઓના ડરને ઉથાપ્યો.

કરે નાગણીઓ સ્તુતિ અપાર, બક્ષો હે તાત કૃષ્ણ મોરાર.

કરે કાલાવાલા તે લક્ષમાં લીધા, શરત કરીને સ્વામી છૂટાં કીધા.

પછી જળથી નીકળ્યા બહાર, ત્યારે થઈ રહ્યો જય જયકાર.

દોડી ભેટ્યાં જશોદા માત, ગોપગોપી થયાં રળિયાત,

કૃષ્ણ્કથારસ કેટલા કહીએ, પાર પ્રરાકમનો નવ લહીએ.

દાવાનળ બુઝાવ્યો વન માંહ્ય, ગોવર્ધન તોળ્યો કરમાંય.

યમુના પૂરમાં ડૂબ્યા ગોવાળ, એમને ઉગારી લીધા ગોપાળ.

વ્રત કાશીનાં સૌ કરો, પૂજો ગૌરીકુમાર,

બેઉ કર જોડી વિનવું, માગું કૃષ્ણભરથાર.

પીતાંબર અંબર ધરી, ચડ્યાં કદંબને ઝાડ,

જળમાં ગોપી વલવલે, વસ્ત્ર આપો વૈકુંઠનાથ.

દીનમુખે વિનંતી કરે, જોડીને બે હાથ,

વસ્ત્રહરણ લીલા કરી, ગોપગોપીની માયા હરી.

યજ્ઞ થયો જાનીને ઘેર, અન્ન થાયે રામ શુભ પેર,

જાનીએ ન જાણ્યો ધર્મ, ઋષિપત્નીએ જાણ્યો મર્મ.

સકળ અન્ન ફળ આણી આલ્યાં, એ તો કૃષ્ણને મન ભાવ્યા

ગિરિ ગોવર્ધનને ધાર્યો, મદ સુર-અસુરનો ઉતાર્યો.

ઈન્દ્ર  તણાં ઉતાર્યા માન, ગાયાં ભક્તજનનાં યશગાન.

નંદને વરૂણ હરી ગયાં, લઈ આવ્યાં વૈકુંઠરાય.   

જળ યમુનાનાં ઝીલતાં, મોહનજી વેણુ વાય.

વ્યાકુળ થઈ ગોપાંગના, તજી  ઘેર ભરથાર,

અવળાં વસ્ત્રો પહેરિયાં, કંઈમાથે તે બાંધ્યા હાર.

નયણે સિંદૂર સારિયા, સેંથે કાજળ રેખ,

ભૂલી  કંકણ હાથના, ડોકે નાખ્યા કટિમેખ.

ગોપી વચ્ચે ગોવિંદ રમે, ખેલે રાસલીલા સંગાથ,

ચંદ્ર ખીલ્યો આકાશમાં, તેવા શોભે વૈકુંઠનાથ.

શંખચૂડ ત્યાં આવિયો, એના નીકળી ગયા જીવ ને શ્વાસ.

એમ કંઈક અસુરને પછાડિયા, જેની ગણનાનો નહીં પાર.

એટલે નારદ આવિયા, કંસરાયને દરબાર !

પાણી ચડાવ્યું કંસને, ને કીધો અવળો ઉપદેશ.

કંસે અક્રૂરને  તેડાવિયા, એને અંતર જાગ્યો ક્લેશ.

આવો પધારો અક્રૂર રાજ, અમને પડ્યું તમારું કાજ,

મામાજીનું કરો કામ આજ, જાનીએ જતા વાળ્યા રાજ.

ગંગાજળ  ઘોડા જોતર્યા, અક્રૂરજી હરિ પાસ સંચર્યા,

જો શ્રીકૃષ્ણને ચરણે જાઉં, તો તેમના આલિંગન પાઉં.

સમી સાંજે ગોકુળ ગયા, અક્રુરજી શ્રી હરિને મળ્યા.

કૃષ્ણજીને કહે એ તો વાત, તમે મથુરા આવો મારી સાથ,

માત-તાતની લો સંભાળ, કોઈ વાંકો ન કરશે વાળ.

સુણી કૃષ્ણ તૈયાર થયા, થઈ વ્યાકુળ ગોપી—નાર.

નંદ-જશોદાને કીધા પ્રણામ, ગોપબંધુઓને રામ રામ !

ગોપીઓની આંખે આંસુધાર વિનંતી કરતી ને પડતી પાય,

વલવલતી સૌ પૂઠે જાય, કર કૃષ્ણના કરગરી સાહ્ય,

ઓધવ રૂપે મળશું ફરી, એવું આશ્વાસન આપે હરિ.

કૃષ્ણ કહે કાકાજી જઈએ, આપણે મથુરા ભેગા થઈએ.

રથ જોડ્યા હણહણતા તોખાર, કીધી યમુના ઝટપટ પાર.

તરૂવર છાયા શીતળ શાંત, રથ મધ્યાન્હે  નિરાંત.

અક્રૂરજી જળમાં સંચર્યા, ત્યાં તો દીઠું અકળ સ્વરૂપ.

ઊંચું જોયું ને વિમાસણ થાય, એ તો અવતારી નવખંડ ભૂપ.

સ્તુતિ કીધી કીધા પ્રણામ, હાથ જોડીને માગ્યાં વરદાન.

ગર્ભવાસનાં દોહ્યલાં દુ:ખ, મુક્તિ દેજોને ચિરંજીવી સુખ.

પ્રથમ મચ્છા રૂપ ધર્યું, પેઠા સમુદ્ર મોજાર,

શંખાસુરને મારિયો, ને વેદ મળ્યા ચાર !

બીજે કચ્છ  રૂપ ધર્યા ને સમુદ્ર મધ્યે સાર,

ત્રીજું વરાહરૂપ ધર્યું ઘને , પ્રાણ વધ્યા અપાર,

પૃથ્વી જતી રસાતલથી તમે લાવ્યા દેવ મુરાર.

ચોથે નરસિંહનું રૂપ ધર્યું , ભકતનાં કરવા કાજ,

હિરણ્યકશ્યપને મારિયો, પ્રહલાદને આપ્યું રાજ.

પાંચમે વામન બન્યાને , ભરી અલૌકિક ત્રણ ફાળ,

ત્રણ ડગલાં ધરતી લેતાં, બલિરાજાને ચાંપ્યો પાતાળ.

છઠ્ઠે ફરસી ફેરવી, પરશુરામ ધર્યું નામ,

પ્રદક્ષિણા  પૃથ્વીની ફર્યા હણ્યા ક્ષત્રી તમામ.

સાતમે અસુર સુર અવતર્યો, તમે ભક્તજન પ્રતિપાળ,

રામ રૂપે  પુત્ર દશરથ. રાવણનો કીધો કાળ.

આઠમે  શ્રીકૃષ્ણ અવતર્યા, વસુદેવ કેરા તન,        શ્રાવણ  માસની અષ્ટમીએ, દર્શન પતિતપાવન.

દેવકીની કુખ ઉજાળી, યાદવકુળ-શણગાર,

પાયે પદ્મ સોહામણાં, ને ઉદરે રેખા ચાર,

લાંછન  ભાલે ઝળહળે, શોભે શ્રી દીનદયાળ,

કાને કુંડળ રત્નનાં, કંઠે વિજય વરમાળ,

શંખ ચક્ર ગદા પદ્મ ધર્યા, તંબુરે નારદ ગાય.

દશમો લીધો  શ્રીકૃષ્ણએ કલકી અવતાર,

પૃથ્વી પાછળ ફેરા ફર્યા, શ્રી લક્ષ્મીના ભરથાર !

પહેલી પોળે પેસતાં શુભ શુક્ન શ્રીકૃષ્ણને થયા,

મથુરાનગરીના સેવકો સત્કારવા સામા ગયા.

કનકથાળે કેસર-ચંદન લઈ,કુબ્જા નારી સામી ગઈ,

ભક્તિભાવે પૂજ્યા ભગવાન, નવયૌવનનાં દીધાં વરદાન.

યોગેશ્વરે ઊંચું  જોયું દીઠું દિવ્ય સ્વરૂપ,

બ્રહ્માજીએ પારખ્યું એ અગમ દૈવી સ્વરૂપ.

અક્રૂરે પણ ઓળખી લીધા એમને અવિનાશ,

હાથ જોડ્યા ને  કહ્યું, હું છું દાસનો પણ દાસ.

મહેલે ચડી શાળવીએ જોયું કંસે દીઠો કાળ,

જેવી જેની ભક્તિ, ભાસે દીઠા જમની ઝાળ.

મેડીએથી મલ્લ ધ્રૂજ્યા, આણી  મનમાં ખેદ,

મંડપ હેઠે પછડાયા  ને વળ્યો રાયને પ્રસ્વેદ.

ગદા સરી ગઈ હાથથી ને વર્ત્યો જયજયકાર,

ઉગ્રસેનને પાટે બેસાડ્યા, અભય સોંપ્યા રાજ,

માતાપિતાને ભેટ્યા ને આનંદ વર્ત્યો  આજ.

શ્રીકૃષ્ણ ઘેર ઓચ્છવ  થયો, દીધાં દાન-ધર્મ અપાર,

એ રીતે સૌ મંગળ થયું, હરખ્યો સકળ  સંસાર.

અવંતી નગરી નામે ગામ, સાંદિપની બ્રાહ્મણનું નામ.

ભણવા મૂક્યા એમને ત્યાં, સુદામા સ્નેહી ભેટ્યા જ્યાં.

ગોર તણા આણી આપ્યા પુત્ર, સકળ શાસ્ત્ર ભણિયા બહુસૂત્ર.

ગાય દોહતાં ગોરાણી મળ્યાં, જોઈ કૃષ્ણ દોણી વિસર્યા,

કૃષ્ણે કરા વધાર્યા ત્યાં , દોણી આણી આપી ત્યાં.

કૃષ્ણ કહે ઓધવ સાંભળો, વેગે કરી ગોકુળ સંચરો.

વળી વલોણે બોલે વાત, નહીં જશોદા કરે વિલાપ.

એ જ અમારો પ્રાણાધાર, એના વિના જીવન ધિક્કાર.

કહે ગુરુ તું સાંભળ રાય, નહિ અક્રૂર એ ઓધવરાય.

ઓધવ કરે વિવેક વિચાર, શ્રીકૃષ્ણ આરોગે એણી વાર. બાંસઠ પાનની બીડી ધરી, લવિંગ સોપારી એલચી ભરી.

ઢાળ્યા ઢોલિયા ચાંપે પાય, નંદના નંદન ઢોળે  વાય.

વ્હાલે વિસારી વાટડી,કૃષ્ણે વિસારી માતડી,

જળવિયોગે માછલી જેમ, કૃષ્ણ વિના હુંતરફડું તેમ.

દૂધમાખણને હું શું કરું ? કૃષ્ણ વિના શું કોને ધરું ?     મારે ઘેર તે નવલખ ગાય, કૃષ્ણ વિના કોણ ચારવા જાય ?

ક્યાં જાઉં મારા રઘુ નિશાળિયા ? ક્યાં જાઉં મારા કૃષ્ણ ગોવાળિયા ?ક્યાં જાઉં મારા દીનના મણિ, ક્યાં જાઉં રે બધા વૃજના ધણિ.

ઓધવ આવ્યા થયા નિષ્પાપ, હવે રહી નથી દુ:ખની વાત 

આપસમાં  ભાંગી એક રાત, કૃષ્ણકથા કહેતાં ગઈ રાત.

એટલે પ્રાત:કાળ જ થાય, ધમધમ ગોપી ઘૂમતી જાય.

હરિકથાનાં ગાયે ગીત, ઓધવ જુવે એની પ્રીત.

ગોપી કહે ઓધવ ઓધવ સાંભળો, હરિ સંગાથે સગપણ કરો.

હરિ સાથે શું કરવી પ્રીત, માસી મારી એની રીત.

અહીં ગોવાળે દીધી દોટ, બગાસુરની મરડી ડોક.

અઘાસુર ઉર રાખ્યા હરિ, વનમાં વાગે છે બાંસુરી

ગોપી વળાવે ઓધવ વળે, મથુરામાં શ્રીહરિ સંચરે,

ગોપીઓના સંદેશા કહ્યા, તે શ્રીકૃષ્ણજી સાંભળી રહ્યાં.

કનક-કસ્તુરી, કપૂર, અગરતણા ઊકળ્યા છે ધૂપ.

ચંદરવે મોતીની સેર, હરિ પધાર્યા કુબ્જા ઘેર.

વળી વળી અક્રૂર ચરણામૃત લે, ચરણરજ લઈ મસ્તક ધરે.

કૃષ્ણ કહે કાકા સૂણો વાત, હસ્તિનાપુર લઈ ચાલો આજ.

પાંચ પ્રાણી જેમ પામે સુખ, મરણથી અધિક કુંતાનાં દુ:ખ

હરિ હરિ કર્મ વિધાતા ગ્રહી, મંદિરમાં અગ્નિ પ્રજવળી.

વિલાપ  કરતી સની નાર, આવે છે મહિયર મોજાર.

સાંભળો છો તમે જરાસંઘ તાત,તમારી દીકરી થઈ અનાથ. ક્રોધ ભર્યો જરાસંઘ જાય, સેના તે સઘળી આગળ થાય.

ધૂળ ઊડે સૂરજ ઢંકાય, ધરતી ત્રાડે ધમ ધમ થાય.

કંઈક મળ્યા છે રાણા  રાય, જીતતો જીતતો આગળ જાય.

રૂધિર તણી તો નદીઓ વહી, ત્યારે લડાઈ પૂરી થઈ

હાર્યો જરાસંઘ ભાગ્યો જાય, કાળ યવન એની પૂંઠ થાય.

કાળ કહે મારું મોટું નામ, મચ્છાપે જીતું સંગ્રામ.

ગુફામાં પોઢ્યા છે મુચકુંદ, પામરી ઓઢાડી બાળમુકુંદ

જાગ્યો મુચુકુંદ વિસ્મિત થાય, જોતજોતામાં બળી ભસ્મ જ થાય,

ક્યારે થયો કૃષ્ણ અવતાર, નિદ્રામાં ખોયો અવતાર.

સોળ કળા પરિપૂર્ણ જ થાય, શ્રીનાથજી પધાર્યા મથુરામાંય

આગે યાદવ અતિ, ગામ વસાવ્યા દ્વારામતી.

આપણે તો છે ચિંતા ઘણી, જાળવનાર શી ત્રિભુવન ધણી.

ભગવાન દુર્યોધનને ત્યાં ગયા, ભક્તની કરવા  સહાય,

શ્રીકૃષ્ણને સંભારિયા, દ્રૌપદીની રાખી લજ્જાય.

સંસારસાગર ડૂબતાં, જેણે જપ્યાં હરિનાં નામ,

અવિનાશી કુંવરી એમ ભણે, તેના થાય પૂરણ કામ,

આ દશમ સ્કંધ ભાગવતની કથાનો પાઠ કરીએ ખાસ,

ભવના બંધનથી છૂટીએ, ફરી થાય ન ગર્ભવાસ.

માટે હેતે હરિને ભજો, રાખો પૂરો વિશ્વાસ

ભક્તો છે દાસ ભગવાનના, ને ભગવાન ભક્તોનો દાસ

—————————————————–

આશ્રમ-ભજનાવલિ-ગુજરાતી ભજનો
ભજન:110(પાનું: 177)
(રાગ આસા માંડ—તાલ ઝપતાલ )

બાપજી પાપ મેં કવણ કીધાં હશે,
નામ લેતાં તારું નિદ્રા આવે;
ઊંઘ આલસ્ય આહાર મેં આદર્યા,
લાભ વિના લવ કરવી ભાવે. ધ્રુ0
દિન પૂઠે દિન તો વહી જાયા છે,
દુર્મતિનાં મેં ભર્યાં રે ડાલાં;
ભક્તિ ભૂતળ વિષે નવ કરી તાહરી,
ખાંડ્યાં સંસારનાં થોથાં ઠાલાં. 1
દેહ છે જૂઠડી, કરમ છે જૂઠડાં,
ભીડ-ભંજન તારું નામ સાચું;
ફરી ફરી વરણવું, શ્રીહરિ તુજને
પતિત-પાવન તારું નમ સાચું. 2
તારી કરુણાવિના કૃષ્ણ કોડામણા
કાળ અને અકળ્નું બળ ન ફાવે;
નરસૈંયા રંકને ઝંખના તાહરી
હેડ બેડી ભાગો શરણ આવે. 3
******************
ભજન:111(પાનું:174)
(રાગ આસા માંડ—તાલ ઝપતાલ )
જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું,
મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું. ધ્રુ0
આરે કાયા રે હંસા , ડોલવાને લાગી રે,
પડી ગયા દાંત, માંયલી રેખું તો રહ્યું. મારો0
તારે ને મારે હંસા, પ્રીત્યું બંધાણી રે,
ઉડી ગયો હંસ, પીંજર પડી રે રહ્યું. મારો0
બાઈ મીરાં કહે છે પ્રભુ ગિરિધરના ગુણ,
પ્રેમનો પ્યાલો તમને પાઉં ને પીઉં. મારો0
ભજન: 112(પાનું:179)
(રાગ ઝિંઝોટી – તીન તાલ)
બોલ મા, બોલમા, બોલમા, રે
રાધા-કૃષ્ણ વિના બીજું બોલમા . ધ્રુ0
સાકર શેલડીનો સ્વાદ તજીને
કડવો લીમડો ઘોળ મા રે. 1
ચાંદા સૂરજનું તેજ તજીને
આગિયા સંગાથે પ્રીત જોડ મા રે. 2
હીરા માણેક ઝવેર તજીને
કથીર સંગાથે મણિ તોલ મા રે. 3
મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર
શરીર આપ્યું સમતોલમાં રે. 4
ભજન:113(પાનું: 179)
(રાગ કાલિંગડા-તાલ દીપચંદી)
નહીં રે વિસારું હરિ, અંતરમાંથી નહીં રે . ધ્રુ0
જળ જમુનાનાં પાણી રે જાતાં
સિર પર મટકી ધરી. 1
આવતાં ને જાતાં મારગ વચ્ચે
અમૂલખ વસ્તુ જડી. 2
આવતાં ને જાતાં વૃન્દા રે વનમાં
ચરણ તમારે પડી. 3
પીળાં પીતામ્બર જરકશી જામા
કેસર આડ કરી. 4
મોર મુગટ ને કાને રે કુંડળ
મુખ પર મોરલી ધરી. 5
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ
વિઠ્ઠલ્વરને વરી. 6
ભજન: 114(પાનું: 180)
(રાગ કાફી – તાલ દ્રુત દીપચંદી)
મુખડાની માયા લાગી રે,
મોહન પ્યારા ! ધ્રુ0
મુખડું મેં જોયું તારું,સર્વ જગ થયું ખારું,
મન મારું રહ્યું ન્યારુ રે, મોહન0
સંસારીનું સુખ એવું, ઝાંઝવાના નીર જેવું,
તેને તુચ્છ કરી ફરીએ રે, મોહન0 મીરાંબાઈ બલિહારી, આશા મને એક તારી,
હવે હું તો બડભાગી રે, મોહન0
=======================
ભજન:115 (પાનું : 181)
વૈષ્ણવ નથી થયો તું રે, શીદ ગુમાનમાં ફ્હૂમે
હરિજન નથી થયો તું રે. ટેક
હરિજન જોઈ હૈડું નવ હરખે, દ્રવે ન હરિગુણ ગાતાં,
કામ ધામ ચટકી નથી પટકી. ક્રોધે લોચન રાતાં. 1
તુજ સગે કોઈ વૈષ્ણવ થાયે, તો તું વૈષ્ણવ સાચો,
તારા સંગનો રંગ ન લાગે, તાં હાં લગી તું કાચો. 2
પર્દુ:ખ દેખી હ્રદે ન દાઝે, પરનિંદા નથી ડરતો,
વહાલ નથી વિઠ્ઠલ શું સાચું, હઠે ન હું હુંકરતો. 3
પરોપકારે પ્રીત ન તુજને, સ્વારથ્છૂટ્યો છે નહીં,
કહેણી તેવી રહેણી ન મળે. કાં હાં લખ્યું એમ કહેની. 4
ભજવાની રૂચિ નથી મન નિશ્ચે, નથી હરિનો વિશ્વાસ,
જગત તણી આશા છે જાંહાં લગી, જગત ગુરૂ, તું દાસ. 5
મન તણો ગુરૂ મન કરશે તો, સાચી વસ્તુ જડશે,
દયા દુ:ખ કે સુખ માન પણ, સાચું કહેવું પડશે. 6
===============================

[Enter Post Title Here]

 

 

a   ઊઘડ્યાં દ્વાર  અંતરનાં

એઈલીન કેડી

ભાવાનુવાદ: સોનલ પરીખ

પ્રકાશક : આર.આર.શેઠ એન્ડ કંપની પ્રા. લિ.

માર્ચ-31

જ્યારે તમે જીવન સાથે ભયમાં હશો. તમે જોશો કે તમે બધું બરાબર અને યોગ્ય સમયે કરોછો.તેથી એ લય સાચવો, પોતાની અંદરના મૌનમાં મારી સાથે પ્રત્યક્ષ સંપર્ક સાધો. એથી જ શાંતિ અને મૌન અત્યંત મહત્ત્વનાં છે. તમને એનું પૂરું મહત્ત્વ કદાચ સમજાશે નહીં.વાદ્યનો સૂર જો મેળવેલો ન હોય તો સંગીતના બદલે કોલાહલ જન્મે છે. તમારું પણ તેમજ છે. મારી સાથે લય ન મળે ત્યારે તમારી અંદર પણ વિસંવાદ સર્જાય છે.

વાદ્ય મેળવેલું હોવું જોઈએ અને તમારો હાથ પણ મારી સાથે મેળવેલો હોવો જોઈએ. આ લય, તમે શાંત અને નીરવ ન થાઓ તો ન મળે. દોડાદોડીમાં. ધમાલમાં, જેમ વાદ્યમાં તેમ તમારામાં પણ સંગીત પ્રગટતું નથી, સૂર મળતો નથી. મૌનમાં તમે સ્વરોને બરાબર સાંભળી શકો છો, મેળવી શકો છો. અંદરની નીરવતામાં જ તમે મારો ધીમો, શાંત અવાજ સાંભળી શકશો અને ત્યારે જ હું તમને કહી શકીશ કે તમારે શું કરવું.

મારી વ્હાલી દિકરી ચિ. તૃપ્તિ સમીર ગાંધી ના જન્મદિન (15 મે) નિમિત્તે તેની આધ્યાત્મિક્તાને સમર્પિત

. ઊઘડ્યાં દ્વાર  અંતરનાં

એઈલીન કેડી

ભાવાનુવાદ: સોનલ પરીખ

પ્રકાશક : આર.આર.શેઠ એન્ડ કંપની પ્રા. લિ.

માર્ચ—25

 

જેમ વધુ ને વધુ પ્રેમ આ પૃથ્વી પર પ્રસરતો જાય છે, તેમ એક અદભુત આરોગ્યપ્રદ સ્થિતિ ઊભી થાય છે—જાણે કોઈ દર્દશામક દવા વડે ઘા રુઝાતો હોય તેવી. અને શરીર અખંડ થતું જાય છે. પ્રેમ હંમેશાં વ્યક્તિની અંદર જાગે છે. જ્યારે તે તમારામાં જાગૃત થાય છે, બીજમાંથી અંકુર ફૂટે તેમ પ્રગટે છે અને અદ ભુત સૌંદર્ય અને ભરપૂરતાથી વ્યક્ત થાય છે. આ જ ક્ષણે તે બની રહ્યું છે. તે ઘણા લોકો એવું અનુભવે છે કે તેમનામાં કંઈક અવનવું થઈ રહ્યું

છે. પણ તેઓ વિહવળ થઈ જાય છે અને જે બની રહ્યું છે તેના મર્મને સમજી શકતા નથી.

અમુક કોઈ મંથન અનુભવે છે, પણ એ અનુભવ નવો અને અજાણ્યો હોવાથી તેનાથી ભયભીત થાય છે અને તેને અટકાવવાની કોશિશ કરે છે. પ્રેમ જ્યારે બંધનમુક્ત થાય છે ત્યાર પછી તેને કશું અટકાવી શકતું નથી. એ અલ્લાદીનના ચિરાગમાં કેદ થયેલા જીન જેવો છે. એક વાર મુક્ત થાય, પછી તેને પાછો બાંધી શકાતો નથી. તે ગુપ્ત રહી શકતો નથી કે તેની ઉપેક્ષા થઈ શકતી નથી. ધીરે ધીરે એ આપમેળે સર્વત્ર જાગશે અને સઘળામાં વસી જશે.

માર્ચ—26

સીડી હંમેશાં એક ઉપરનું પગથિયું ચડવા માટે હોય છે. કદી હ્રદયને નબળું ન પડવા દો. આગળ વધો, ઉપર ચઢો અને સર્વોચ્ચને પામી લો. જીવન એક પ્રવાહ છે, એક પરિવર્તન છે, એક વિકાસ છે. કોઈ કદી જે સ્થિતિમાં હોય તેમાં હંમેશ માટે રહેતું નથી.  પ્રકૃતિમાં જડતાને કોઈ સ્થાન નથી. એમાં પરિવર્તન, વિકાસ, વિસ્તાર સતત ચાલે છે. એક સ્તર પરથીબીજા સ્તર પર સતત જવાતું હોય છે. કૂંપળમાંથી વૃક્ષ બને છે. કળીમાંથી ફૂલ અને બીજમાંથી ધાન્ય પેદા થાય છે.

પરિવર્તન પ્રકૃતિનો નિયમ છે . જો તમારામાં પરિવર્તન ન આવ્યું હોય તો જરૂર તમારામાં કોઈ ખામી શોધી તેને દૂર કરવી જોઈએ. પરિવર્તનને અટકાવો કે નકારો નહીં તેની સાથે એકરૂપ થાઓ અને તેને સ્વીકારો.પરિવર્તન મનગમતું કે સગવડભર્યું ન પણ હોય. થોડી અગવડને પણ અપનાવતાં શીખો જેથી નવું તેજ પ્રગટી શકે. તમને અને વિશ્વને નવું રૂપ મળે.તમારામાં તમારું એક જૂદું અસ્તિત્વ ખીલે—પ્રકાશ, પ્રેમ અને પ્રેરણાથી ભરપૂર અસ્તિત્વ.

——————————————

 

દીકરીનું લગ્ન એટલે નદીને પાનેતર પહેરાવવાની ક્ષણો

અંકિત ત્રિવેદી

 | 5 Minute Read

ત્રણ પ્રકારની મોસમનો મિજાજ હવામાં વર્તાય છે. એક લગ્નથી ગાળો રાખનારાઓની મોસમ! બીજી લગ્નને ગાળો દેનારાઓની મોસમ અને ત્રીજી ખરેખર લગ્નવાળાની મોસમ! લગ્ન હવે તો કોર્પોરેટ ઈવેન્ટ કક્ષાનાં બની ગયાં છે. બધું જ હાઈ-ફાઈ અને હાઈ-ટેક પર્સનાલિટીનું લગ્નને ખપે છે. સાદાઈથી કરવાનાં લગ્નનો આંકડો પણ લાખોના આંકડાને ઓળંગે છે. લગ્નસમયે બધાનું બધામાં ધ્યાન હોય છે, પણ દીકરીની મનઃસ્થિતિની ખબર કોઈને પડતી નથી.

ઘરનો ઊંબરો ઓળંગવો જેના માટે રમત વાત હતી, આજે એ જ ઊંબરો દીકરી પાસે હિસાબ માગે છે. સારું ઘર મળ્યાનું સુખ ચોક્ક્સ છે એની પાસે, પણ એની પાનીમાં જે રમતું’તું એ ઘર છોડવાનો પ્રસંગ છે. સંબંધમાં અને સગપણમાં ફેર હોય છે. સંબંધ અપેક્ષા રાખે છે અને સગપણ ઉપરથી લખાઈને આવેલું હોય છે. સગપણમાં કશું જ હોતું નથી, સિવાય કે અન્નજળ! અનાયાસે બંધાતી મિત્રતા અન્નજળના સંતોષનો મુકામ છે. સંબંધ અને સગપણનો સેતુ છે ઋણાનુબંધ! લગ્નનો પ્રસંગ દીકરી માટે ઋણાનુબંધના ત્રકણસ્વીકારનો પ્રસંગ છે. એક ઘરના ઋણાનુબંધને અકબંધ રાખવાનું છે. અને બીજા ઘરના ઋણાનુબંધને અપનાવવાનું છે.

કંકોતરીમાં પોતાનાં નામ પછીના કૌંસમાં લખેલું નામ કદાચ છેલ્લી જ વાર પોતાની આઇડેન્ટીટી બતાવી રહ્યું છે. હવે નામની પાછળ બદલાતાં નામ અને બદલાતી અટક સાથે વાતાવરણ બદલાવવાનું છે. દીકરીઓ એટલે જ મોટી ના થવી જોઈએ. દીકરીઓ કુંડામાં ઊગેલો છોડ નથી, આખેઆખો હરતો-ફરતો બગીચો છે. એની સુગંધનું સરનામું પિતાની આંખોમાં વંચાય છે અને એનો પિનકોડ નંબર લાગણી છે. કાલ સુધી એણે જે ફળિયામાં રંગોળી પૂરી હતી, તોરણ બાંધ્યાં હતાં, પપ્પાના ચંપલમાં પોતાના પગ નાખીને ફરતી હતી, દોરડા કૂદતી હતી… કદાચ આ બધી જ ઘટનાઓના કારણે ફળિયું – ફળિયું લાગતું હતું. દીકરી ખબર ન પડે એમ એને પગની પાનીમાં સંતાડીને લઈ જાય છે. આંખ સામે મેચ્યોર થતી દીકરીને ખબર છે કે જે ઘરમાં મારો જન્મ થયો છે તે ઘર પણ મારું નથી એટલે જ એ અધિકારપૂર્વક બધું માગતી ફરે છે અને એનો પ્રિયતમ એને જાન સાથે લેવા આવ્યો છે એ પણ એનું નથી એટલે જ એ કશું પણ માગતા સંકોયાય છે. સંબંધોના આ ગણિતને કોણ સમજાવી શક્યું છે? ગઈ કાલ સુધી ઘરમાં આવેલા મહેમાનને પાણી આપતી દીકરી એક દિવસ ઘરના મહેમાનની જેમ આવે છે. પપ્પાનું પાણી આંખોનું પાણી ન બને તો બીજું શું થાય?

દીકરી કોઈને કશું જ કહેવા માગતી ત્યારે પહેલા ઘરના પાણિયારે જાતે જઈને સ્ટીલના જુના ગ્લાસમાં પાણી પીવે છે. હજુ પણ એને ઘરના કોઈક ખૂણેથી બાળપણ મળી આવે છે. હજુ પણ એને પપ્પાની આંગળી ઝાલીને ફરવાનું મન થતું હોય છે. સી.ડી. પ્લેયરના મોટા અવાજમાં હીંચકા ખાવાનું મન એને આજે પણ થાય છે, પણ હવે એ દિકરીની સાથે સાથે પત્ની બની છે. ગઈ કાલ સુધી જે દરેક ઈચ્છાઓ પુરી કરાવીને ઝંપતી હતી, આજે એ ઈચ્છાઓ પર કાબુ મેળવતા શીખી ગઈ છે, કારણ કે દીકરી કોઈને કશું જ કહેવા માગતી નથી!

લગ્નના દિવસોમાં ચાલી રહેલી તડામાર તૈયારીઓની વચ્ચે ઘરઝુરાપાનો વિરહ દીકરીના સૂક્ષ્મ સંવેદનમાં ઘુંટાતો રહે છે. રસોડામાં હવેથી મમ્મીને વારેઘડીએ હેરાન કરવા નથી જઈ શકાતું કારણ કે રસોડામાં સાસુ હોય છે. પ્રત્યેક ડૂમો ડૂસકું બનવાની રેસમાં ઊતરે છે. સુકાઈ ગયેલા આંસુનું માપ લિટરમાં નથી નીકળતું! પિતા પાસેથી નાની નાની હથેળીઓ પર હાથ મુકીને નસીબ અજમાવવાના દિવસો છુ થઈ જાય છે! પોતાના જ ઘરમાં મહેમાન બનીને આવવાનું જેટલું દીકરી માટે અઘરું છે એટલું જ મહેમાન બનીને આવતી દીકરીને પોતાની સગી આંખોએ જોવાનું પણ અઘરું છે. ધબકારા બોલી નથી શકતાં ત્યારે રડી પડે છે. લગ્ન પછી રોજ એક વાર દીકરીનો અવાજ સાંભળવાની આદત એમનેમ થોડી પડે છે?

ભૂતકાળને ભુલી જવા માટે બીજાને વિનંતી કરવાની હોય છે, પણ પોતાની જાતને સમજાવા જતાં કરગરવું જ પડે છે. દીકરીનો ભુતકાળ સાસરામાં સંસ્કારોનું જતન કરતો વારસો બની જાય છે.

દીકરીની ઉંમર વધતી જાય છે એની ચર્ચા કરીએ છીએ, પણ એનું બાળપણ ગુમાઈ રહ્યું છે એનો ગમ નથી કરતાં. દીકરી ગોર કે વ્રતપૂજા કરે છે એટલા દિવસો જ એના પોતાના દિવસો છે, પછી તો પરંપરાને આગળ વધારવામાં જીવન ખર્ચી નાખવાનું હોય છે! એટલે જ દીકરી પાસે પતિની આબરૂ અને પિતાની ઈજ્જત હોય છે.

દીકરો ખુબ થાકીને ઘરે આવ્યો હશે અને ગમે તેટલો મોટો હશે પણ એનો બાપ એને અડધી રાત્રે ઉઠાડીને કામે મોકલશે… એ જ આશયથી કે દીકરો તો કાલે ફરીથી નિરાંતે ઊંઘી જશે, પણ દીકરી ઊંઘતી હશે તો પિતા એને ઉઠાડવાની હિંમત નહીં કરે! કદાય આ ઊંઘ ફરી ક્યારેય ન આવે તો? દીકરો પરણાવતી વખતે બાપ હોય એના કરતાં વધારે જુવાન બની જાય છે… પણ દીકરી પરણાવતી વખતે એ અચાનક જ ઘરડો લાગવા માંડે છે. દીકરીનું લગ્ન એટલે નદીને પાનેતર પહેરાવવાની ક્ષણો….

[સાભાર: ઓફબીટ – અંકિત ત્રિવેદી]

«
3Shares

A.A./02

અખંડ આનંદ /ફેબ્રુઆરી,2020

જુદી રીતે વિચારો

બારી ખુલી. મમ્મી અને દીકરો બંને એકસાથે બારી પાસે આવ્યાં. મમ્મી અકળાઈને બોલી ઊઠી, ‘બેટા, જો તો ખરો, રસ્તા પર કેટલો બધો કાદવ થઈ ગયો છે ?’

એ જ સમયે બાબો પ્રસન્નતાથી બોલી ઊઠ્યો, ‘મમ્મી, ઉપર જો તો ખરી, આકાશમાં મેઘધનુષ્ય કેવું સુંદર રચાયું છે ?’

બારી ખુલવાની ઘટના એક જ પરંતુ મમ્મીનું અર્થઘટન જુદું, બાબાનું અર્થઘટન જુદું. અવળા અર્થઘટનને કારણે મમ્મી ઉદ્વિગ્ન, સવળા અર્થઘટનને કારણે બાબો પ્રસન્ન. આપણા ઉદ્વિગ્નતા કે પ્રસન્નતા ઘટના સાથે બંધાયેલ નથી પરંતુ એ ઘટનાનું આપણે કેવું અર્થઘટન કરીએ છીએ તેની સાથે જોડાયેલી છે.

બગીચામાં છોડ પર કાંટાઓ વચ્ચે ઊગેલા ગુલાબને બે જણાએ જોયું. જેનું મન હકારાત્મક હતું એણેબીજાનેકહ્યું કે  ‘ગુલાબને ધન્યવાદ આપવા પડે કારણ કે આસપાસ પચાસ કાંટા હોવા છતાં પોતે પ્રસન્નતામાં છે.’ બીજાએ નકારાત્મક મનને કારણે કહ્યું કે ‘ગુલાબ ભલે સુગંધીદાર હશે, સૌંદર્યવાન હશે પણ એનું કરવાનું શું ? એ તો પોતાની આસપાસ પચાસ-પચાસ કાંટાઓ લઈને બેઠું છે.’

કોઈપણ હકીકતની બીજાને જાણકારી આપતાં પહેલાં તમારું મન વિકૃત હશે તો સાચી અને સારી પણ હકીકતની જાણકારી વિકૃતરૂપે આપશો. પણ તમારું મન સમ્યક હશે તો નબળી હકીકતની જાણકારી એના મનમાં કોઈ વિકૃતિ પેદાકરનારી નહીં જ બને

સંકલન: ડૉ.કૃષ્ણકાન્ત શાહ, સી-14, નારાયણ એસ્ટેટ, શક્તિનાથ મહાદેવ પાસે, ભરુચ-392 001

********************************************

દેવિકાની દૃષ્ટિયે – ૪ (દેવિકા ધ્રુવ)

રસદર્શન

ગીત-અનિલ ચાવડા-

ખૂબ જાળવી તોય હાથથી છૂટી ગઈ રે લોલ,
ઇચ્છાઓથી ભરચક બરણી ફૂટી ગઈ રે લોલ.

કઈ રીતે એ ફૂટી ગઈ
સૌ ચરચો ચરચો ચરચોજી,
કાચ તૂટતા વેરાઈ કંઈ
કરચો કરચો કરચોજી
કરચો વીણવામાં જ જિંદગી ખૂટી ગઈ રે લોલ;
ઇચ્છાઓથી ભરચક બરણી ફૂટી ગઈ રે લોલ.

મનની આ અભરાઈ ખૂબ જ
ઊંચી ઊંચી ઊંચીજી,
અને અમે સંતાડી રાખી
કૂંચી કૂંચી કૂંચીજી
તોય કઈ ટોળી આવીને લૂટી ગઈ રે લોલ?
ઇચ્છાઓથી ભરચક બરણી ફૂટી ગઈ રે લોલ.

રસદર્શનઃ દેવિકા ધ્રુવ

 ગુજરાતી કાવ્ય-જગતનો એક નવો અવાજ, એક તાજગીભર્યો યુવાન ચમકારો એટલે કવિ શ્રી અનિલ ચાવડા.    ૨૦૧૦થી સાહિત્ય અકાદમીના એકથી વધુ એવોર્ડ પ્રાપ્ત કરનારા શ્રી અનિલ ચાવડાનું લોકગીતના લયમાં લખાયેલું આ  મસ્ત મઝાનું ગીત “ઈચ્છાઓની ભરચક બરણી ફૂટી ગઈ રે લોલ” વાંચતાની સાથે જ મન મોહી લે છે. ઉપરઉપરથી રમતિયાળ જણાતા આ ગીતના ભાવો અનેક અર્થછાયાઓ ઊભી કરે છે. 

પ્રથમ પંક્તિ જ કાર્યના કારણોથી શરુ થાય છે. ખૂબ જાળવી છે તો યે બરણી ફૂટી ગઈ છે. એવું નથી કે એ બેદરકારીથી છૂટી ગઈ છે ! ભલા, આવું તે કંઈ થાય? ના થાય.પણ તો યે થયું. કારણ કે, આ બરણી કોઈ સામાન્ય બરણી નથી. એ તો છે ઇચ્છાઓની બરણી. વાહ ! શું નવીન કલ્પન છે? ગીતની ધ્રુવ પંક્તિ પણ એ જ છે કે, ઇચ્છાઓથી ભરચક બરણી ફૂટી ગઈ રે લોલ. આ ઇચ્છાઓની  વાત આવે ત્યારે સ્વાભાવિક રીતે જ એ જીંદગીના ચિંતન-પ્રદેશે પહોંચાડી દે છે.

પહેલાં અંતરામાં કવિ પૂછે છે કે, કઈ રીતે બરણી ફૂટી ?કેટલી કરચો વેરાઈ ગઈ? એને વીણવામાં જીવન પૂરું થઈ ગયું !

“કઈ રીતે એ ફૂટી ગઈ
સૌ ચરચો ચરચો ચરચોજી,
કાચ તૂટતા વેરાઈ કંઈ
કરચો કરચો કરચોજી
કરચો વીણવામાં જ જિંદગી ખૂટી ગઈ રે લોલ;
ઇચ્છાઓથી ભરચક બરણી ફૂટી ગઈ રે લોલ.

જરા ઉંડાણથી વિચારીશું  તો ભાવકના ભાવ વિશ્વ અનુસાર તેમાંથી અનેક અર્થો નિષ્પન્ન થાય છે. માનવીની ઈચ્છાઓના કોઈ ધ્યેય ન હોય,તેને પૂર્ણ કરવાના સંકલ્પ,મક્કમતા અને સંપૂર્ણ તૈયારી ન હોય તો એવી ઈચ્છાઓની બરણી ફૂટે તેમાં કોઈ નવાઈ નથી. તો સાથે સાથે એ બધું જ હોય છતાંયે  પ્રારબ્ધ વાંકુ હોય તો સફળતા ન મળે અને ફૂટવાના સંજોગો ઉભા થઈ જાય એમ પણ બને. જીંદગીની આ એક અનુત્તર સમસ્યા છે. આવી ગંભીર વાતને  કલમના જાણે કે એક  જ લસરકાની જેમ કેટલી સહજતાથી કવિએ આલેખી છે!

વિષયનો ક્રમિક વિકાસ કરતાં બીજા અંતરામાં એ જ વાત આગળ વધે છે. જાણે કવિ પોતે કારણોની પળોજણમાં ઊંડા ખૂંપે છે કે, મનની ખૂબ ઊંચી છાજલીએ એની કૂંચી મૂકી હતી. તો યે કોણ જાણે કોણ આવી એને લૂંટી ગયું? ને બધું યે ફૂટી ગયું?

“મનની આ અભરાઈ ખૂબ જ
ઊંચી ઊંચી ઊંચીજી,
અને અમે સંતાડી રાખી
કૂંચી કૂંચી કૂંચીજી
તોય કઈ ટોળી આવીને લૂટી ગઈ રે લોલ?
ઇચ્છાઓથી ભરચક બરણી ફૂટી ગઈ રે લોલ.

અહીં મને સંસ્કૃતનું એક સુંદર સુભાષિત યાદ આવે છેઃ
मनसा चिन्तितं कार्यं वचसा प्रकाशयेत्
अन्यलक्षितकार्यस्य यतः सिध्धिर्न जायते.
મનથી વિચારેલા કામને કદી કોઈની આગળ જાહેર ન કરવું .બીજાંના ધ્યાનમાં આવેલ કાર્યને સફળતા મળતી નથી!

કંઈક આવો જ ભાવ આ બીજાં અંતરામાં સમાયેલો છે કે જ્યાં સુધી નક્કી કરેલ કામ કે કોઈ સારો આશય/ઇચ્છા અંગે બહુ વાતો નહિ કરવી પણ એને પાર પાડવા મથતા રહેવું. કારણ દુનિયા તો દોરંગી છે.ક્યારે કયા ઢાળમાં વળી જાય,કહેવાય નહિ! કેટલીક વાર સાથ-સંવાદ ને બદલે વિખવાદ ઉભો થાય અને બધું વેરવિખેર કરી નાંખે. સજ્જતાની સાથે સાથે સજાગતા અને સભાનતા ખૂબ જ જરૂરી હોય છે.

અગાઉ કહ્યું તેમ એક બીજો પણ ગૂઢાર્થ નીકળે છે. ફરી વાર આખું યે ગીત વાંચતા એમ લાગે છે કે, આમ તો આમાં કશુંક ફૂટ્યાની વેદના વ્યક્ત થઈ છે. વ્યથાની કથા કરી છે, કાચ ફૂટ્યાથી થતી ઝીણી ઝીણી કરચો પથરાયાની અને કદાચ વાગ્યાની  વાત છે. અરમાનોની આતશબાજી સળગી છે. છતાં ક્યા યે ચીસ નથી,આહ નથી,પીડા નથી, કોઈ રુદન નથી.બલ્કે શાંતિપૂર્વકનો સાચો ઉકેલ છે. ચર્ચા જાત સાથે કરવાની છે. જગત સાથે નહિ. મનોમંથન કરી કારણને નાબૂદ કરવાનું છે. એ અંગે રોદણા રડીને જીવનનો અમૂલ્ય સમય વેડફવાનો નથી. પણ સાચી શાંતિના ઉકેલરૂપ  સમજણની ચાવી શોધીને, કાયાની ઉંચી અભરાઈએ રહેલાં દિમાગના એક ખાનામાં સાચવીને રાખવાની છે; એવી રીતે કે કોઈ  દુર્વૃત્તિની ટોળકી આવીને ફરીથી લૂંટી ન લે અને ફરી પાછી બરણી ફૂટી ન જાય..!!

ખૂબ જ નાનકડા ગીતમાં  કવિએ કેટકેટલું સરળતાથી,ખળખળ વહેતા ઝરણાની જેમ ભર્યું છે. સાચા કવિની આ જ તો ખૂબી છે ને? જીંદગીની એક ખૂબ ઉંચી વાત,ઉમદા શીખ,  ઇચ્છાઓની બરણી દ્વારા લોકગીત જેવા અનોખા અંદાઝમાં અહીં કહેવાઈ છે. માત્ર બે જ અંતરામાં પૂરા થતાં આ ગીતમાં  શરુઆતથી અંત સુધી વિષય,તેનો વિકાસ, લય,લોકગીત જેવો ઢાળ,રાગ વગેરે સુંદર રીતે સચવાયા છે. કેટલાંક શબ્દોની પુનરોક્તિ જેવાં કે,  કરચો,કરચો,ઊંચી ઊંચી, કુંચી કુંચી વગેરે પણ ભાવને અને તેના માધુર્યને,અર્થગાંભીર્યને વધુ ઉઠાવ આપે છે.

આમ, નાજુક નાજુક ઇચ્છાઓ તૂટ્યાની, ભારે ભારે વાત, આટલી હળવી હળવી રીતે કરનાર કવિ શ્રી અનિલ ચાવડાની કલમને  સલામ અને ખૂબ ખૂબ અભિનંદન.

દેવિકા ધ્રુવ

સપ્ટે.૨૦૧૭

 

પોસ્ટ સંશોધક

1 thought on “દેવિકાની દૃષ્ટિયે – ૪ (દેવિકા ધ્રુવ)”

પ્રતિભાવ

:)